03 July, 2022 04:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન કપૂર
અર્જુન કપૂરે જણાવ્યું કે ‘એક વિલન રિટર્ન્સ’ના મારા રોલ માટે હું કલાકો સુધી જિમમાં એક્સરસાઇઝ કરતો હતો. આ ફિલ્મમાં તેની સાથે જૉન એબ્રાહમ, દિશા પટણી અને તારા સુતરિયા લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે અને આ ફિલ્મને મોહિત સૂરિએ ડિરેક્ટ કરી છે. ૨૯ જુલાઈએ રિલીઝ થનારી આ ફિલ્મના રોલ માટે પોતાના ટ્રાન્સફૉર્મેશન વિશે અર્જુન કપૂરે કહ્યું કે ‘મને ખુશી છે કે ‘એક વિલન રિટર્ન્સ’ના ટ્રેલરને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. મારા ટ્રાન્સફૉર્મેશન પર મને ખૂબ ગર્વ છે, જેને મેળવવા માટે મેં ખૂબ લાંબી જર્ની ખેડી છે. મારા હેલ્થ ઇશ્યુઝને લઈને મારે ખૂબ સ્ટ્રગલ કરવી પડી હતી. જોકે સૌએ આપેલા પ્રોત્સાહનનો હું આભારી છું. મને મારી જાત પર ગર્વ થાય છે કે મેં અનેક કલાકો જિમમાં પસાર કર્યા હતા અને દરરોજ યોગ્ય આહાર લેતો હતો. સાથે જ તંદુરસ્તીને પ્રાથમિકતા આપવા માટે માનસિક રીતે પણ હું સક્ષમ હતો. આ જર્ની સરળ નહોતી, પરંતુ આજે લોકોનો જે પ્રકારે પ્રેમ મળે છે એને જોતાં એ જર્ની લેખે લાગી છે. હું સમજું છું કે એક સમયે લોકો મારી નિંદા કરતા હતા. તેમને જાણ નહોતી કે હું શેમાંથી પસાર થઈ રહ્યો છું. એ વિશે વધુ બોલવા નથી માગતો, પરંતુ તેમનાં ફીડબૅક મને ફરીથી ઊભાં થવાનો જોશ ભરી દે છે.’