14 January, 2023 07:40 PM IST | Mumbai | Harsh Desai
‘કુત્તે’ ભોંકતા પણ નથી અને કરડતા પણ નથી
કુત્તે
કાસ્ટ : અર્જુન કપૂર, નસીરુદ્દીન શાહ, તબુ, કોંકણા સેન શર્મા, કુમુદ મિશ્રા, રાધિકા મદન અને શાર્દુલ ભારદ્વાજ
ડિરેક્ટર : આસમાન ભારદ્વાજ
સ્ટાર: 2.5/5
અર્જુન કપૂર, નસીરુદ્દીન શાહ, તબુ, કોંકણા સેન શર્મા, કુમુદ મિશ્રા, રાધિકા મદન અને શાર્દુલ ભારદ્વાજની ફિલ્મ ‘કુત્તે’ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ ફિલ્મ દ્વારા વિશાલ ભારદ્વાજના દીકરા આસમાન ભારદ્વાજે બૉલીવુડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યો છે. આ ફિલ્મને વિશાલ ભારદ્વાજ અને લવ રંજને પ્રોડ્યુસ કરી છે.
સ્ટોરી ટાઇમ
આ ફિલ્મની શરૂઆત ૨૦૦૩થી થાય છે. નક્સલ લક્ષ્મીના પાત્રમાં કોંકણા સેન શર્મા જોવા મળી રહી છે, જેને પોલીસે પકડી હોય છે. તેની ગૅન્ગ દ્વારા તેને જેલ તોડીને ભગાવી લઈ જવામાં આવે છે. તે આ મંડળીની લીડર હોય છે. ત્યાર બાદ સ્ટોરી તેર વર્ષ આગળ વધે છે. પોલીસ ઑફિસર્સ ગોપાલના પાત્રમાં અર્જુન અને પાજીના પાત્રમાં કુમુદ મિશ્રા જોવા મળી રહ્યા છે. તેઓ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ તો કરતા હોય છે, પરંતુ ડ્રગ્સ લૉર્ડ નારાયણ એટલે કે નસીરુદ્દીન શાહની ગુલામી કરતા હોય છે. નારાયણને ભાઉ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે જે તેના ઘંધામાં તેના હરીફને મારવા માટે ગોપાલ અને પાજીને મોકલે છે. તેઓ તેને મારીને ત્યાંથી ડ્રગ્સ લઈને ભાગતાં પકડાઈ જાય છે. બન્નેની નોકરી જોખમમાં આવી જાય છે. ફરી નોકરી પર આવવા માટે સિનિયર પોલીસ ઑફિસર પમ્મીનું પાત્ર ભજવતી તબુ તેમની પાસે એક-એક કરોડ રૂપિયા માગે છે. આથી તેમને પૈસાની જરૂર હોય છે. બીજી તરફ નારાયણની દીકરી લવલીના પાત્રમાં રાધિકા મદન જોવા મળી રહી છે. તે દાનિશનું પાત્ર ભજવતા શાર્દુલના પ્રેમમાં હોય છે. નારાયણે લવલીનાં લગ્ન બીજી જગ્યા પર ફિક્સ કરી દીધાં હોય છે. લવલી તેના પ્રેમી સાથે દેશ છોડીને ભાગવા માગતી હોય છે અને એથી તેને પૈસાની જરૂર હોય છે. આથી જેને-જેને પૈસાની જરૂર હોય તેઓ પૈસાથી ભરેલી એક વૅન ચોરી કરવાનો પ્લાન બનાવે છે અને એના પર આખી ફિલ્મ છે.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
આ ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે આસમાને લખ્યાં છે. જોકે ઍડિશનલ સ્ક્રીનપ્લે અને ડાયલૉગની ક્રેડિટ વિશાલ ભારદ્વાજને આપી છે. ફિલ્મના પ્રોડ્યુસર જોરદાર છે. વિશાલ ભારદ્વાજનું ડિરેક્શન પણ ખૂબ જ જાલીમ હોય છે. તેઓ સારા મ્યુઝિક ડિરેક્ટર પણ છે. ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ખૂબ જ અદ્ભુત છે. આસમાનની ફિલ્મ સાથે સ્વયં ગુલઝાર પણ જોડાયેલા છે. કોઈ ન્યુકમર માટે આટલા સારા પ્રોડ્યુસર, મ્યુઝિક ડિરેક્ટર, રાઇટર અને ઍક્ટર્સ એક જ ફિલ્મમાં મળતા ભાગ્યે જ જોવા મળે છે. અહીં આસમાનને એ તમામ મળ્યું છે, પરંતુ એમ છતાં ફિલ્મ જોઈએ એટલી જોરદાર નથી બની. આ ફિલ્મનો સૌથી મોટો માઇનસ પૉઇન્ટ એની સ્ટોરી છે. આસમાને એ વાતનું ધ્યાન રાખ્યું હતું જે દરેક વસ્તુના પ્રતિઘાત હોય છે અને એ દરેકે પોતે ભોગવવા પડે છે. જોકે તેણે બૅક સ્ટોરી પર કામ કરવાનું યોગ્ય નથી સમજ્યું. કોંકણા કેમ નક્સલ હોય છે એનો કોઈ ઉલ્લેખ નથી. ફિલ્મનું નામ ‘કુત્તે’ તો છે, પરંતુ કોઈ વફાદાર નથી. આ સાથે જ દરેક પાત્રને અને સ્ટોરીને ટ્રૅક પર લાવવા માટે તેણે ઘણો સમય કાઢી નાખ્યો છે. પહેલો પાર્ટ એટલો ધીમો છે કે વાત ન પૂછો. સેકન્ડ પાર્ટમાં થોડી ફિલ્મ સમજમાં આવવાનું શરૂ થાય છે કે એને કેમ બનાવવામાં આવી છે. આસમાનની આ પહેલી ફિલ્મ છે એ હિસાબે તેણે સારું કામ કર્યું છે. વિશાલ ભારદ્વાજ કરતાં તે ફિલ્મને ખૂબ જ અલગ રીતે જુએ છે. જો આ ફિલ્મ વિશાલ ભારદ્વાજે બનાવી હોત તો એ અલગ હોત. જોકે કેટલાંક દૃશ્યો ખૂબ જ સારાં છે અને એ માટે સિનેમૅટોગ્રાફરનાં વખાણ કરવાં રહ્યાં. ફિલ્મ મોટા ભાગે અંધારામાં હોવા છતાં પણ ફિલ્મમાં અંધારું હોય એવું લાગતું નથી. કૅમેરા વર્ક પણ સારું છે અને એને કારણે આસમાનની થોડીઘણી ભૂલો ઢંકાઈ ગઈ છે.
પર્ફોર્મન્સ
પમ્મી. ‘આશ્રમ’ની નહીં, પરંતુ ‘કુત્તે’ની. પમ્મી પહેલવાન તો ફેમસ થઈ હતી, પરંતુ અહીં પમ્મી પોલીસવાળી પણ કોઈનાથી કમ નથી. તબુએ આ પાત્ર એટલું જોરદાર ભજવ્યું છે કે આ તેના માટે જ સ્પેશ્યલ લખવામાં આવ્યું હોય એવું લાગે છે. આમ પણ વિશાલ ભારદ્વાજ અને તબુની જોડી ઘણી રંગ લાવી છે અને તેમના દીકરાની ફિલ્મમાં પણ તબુએ એટલું જ સારું પાત્ર ભજવ્યું છે. અર્જુન ઍન્ટિહીરો કહો કે ઍન્ટિપોલીસના રોલમાં જોવા મળ્યો છે. જોકે આ તો તેનું હોમ ગ્રાઉન્ડ છે. આથી તેની પાસે આ પર્ફોર્મન્સની જ આશા રાખવામાં આવી હતી. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા બાદ આટલો સારો પર્ફોર્મન્સ આપ્યો હોત તો વાત અલગ હતી. જોકે આ સિવાય પાજી પણ જોરદાર છે. કુમુદ મિશ્રા લિમિટેડ, પરંતુ ઇફેક્ટિવ છે. કોંકણા સેન શર્મા અને નસીરુદ્દીન શાહને વેડફી કાઢવામાં આવ્યાં છે. તેમની પાસે ખૂબ જ ઓછો સ્ક્રીન ટાઇમ અને કરવા માટે પણ કંઈ નથી. રાધિકા મદનને પણ ખૂબ જ ઓછો રોલ મળ્યો છે, પરંતુ એમ છતાં તેને જેટલું કામ આપ્યું હતું એટલું તેણે ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. શાર્દુલમાં પણ એ જોઈ શકાય છે.
મ્યુઝિક
આ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક જેટલું સારું છે એટલું જ ફિલ્મ માટે નુકસાનકારક પણ રહ્યું છે. વચ્ચે-વચ્ચે જ્યારે ‘ઢેનટેણેન’ આવે છે ત્યારે ‘કુત્તે’ નહીં, શાહિદ કપૂરની ‘કમીને’ યાદ આવે છે. ‘ઢેનટેણેન’ના નવા વર્ઝનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ‘વાટ લાગલી’ પણ સારું છે. નક્સલીઓ પર બનેલું ‘આઝાદી’ ગીત સારું છે, પરંતુ એ ફિલ્મને આગળ વધવામાં કોઈ મદદ નથી કરતું.
આખરી સલામ
ફિલ્મનું નામ ‘કુત્તે’ જરૂર રાખ્યું છે, પરંતુ એ ભોંકતી પણ નથી અને કરડતી પણ નથી. બે કલાકથી નાની હોવા છતાં એ લાંબી લાગે છે.
ફાલતુ, ઠીક-ઠીક,
ટાઇમ પાસ,
પૈસા વસૂલ,
બહુ જ ફાઇન