20 November, 2024 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એ. આર. રહમાન, સાયરા બાનુ
બૉલીવુડના ટોચના અને જગવિખ્યાત સંગીતકાર અને ગાયક એ. આર. રહમાનની મૂળ કચ્છી એવી પત્ની સાયરા હવે તેમની સાથેના લગ્નજીવનનો અંત લાવી છૂટાછેડા લેવાની છે. ૧૯૯૫માં પ્રભુતામાં પગલાં માંડનાર દંપતીએ લગ્નનાં ૨૯ વર્ષ બાદ હવે છૂટાછેડાનો નિર્ણય લીધો છે. દંપતીને ત્રણ બાળકો છે.
સાયરાના વકીલે આ બાબતે સ્ટેટમેન્ટ આપતાં કહ્યું છે કે ‘લગ્નનાં ઘણાં વર્ષો બાદ સાયરાએ હવે તેના પતિ એ. આર. રહમાનથી છૂટા પડવાનો નિર્ણય લીધો છે. બન્ને વચ્ચે પ્રેમ હોવા છતાં તેમના સંબંધોમાં તાણ સર્જાવાથી બહુ વિચાર કર્યા બાદ તેમણે આ નિર્ણય લીધો છે. તેમની વચ્ચે ટેન્શન અને સમસ્યાઓ સર્જાવાથી બન્ને વચ્ચેનું અંતર વધી ગયું હતું. બન્ને પક્ષ તરફથી એને સાંધવાનો પ્રયાસ કરવાની હાલ ઇચ્છા દર્શાવી નથી.’
સાયરાએ વધુમાં કહ્યું છે કે તેણે આ નિર્ણય બહુ જ દુ:ખ અને વેદના સાથે લીધો છે. તે હાલ આ મુશ્કેલીભર્યા તબક્કામાંથી પસાર થઈ રહી હોવાથી તેણે લોકોને વિનંતી કરી છે કે તેની પ્રાઇવસી જળવાઈ રહે એ માટે સમજદારી દાખવે.
સાયરા કચ્છી ગુજરાતી છે
એક જૂના ઇન્ટરવ્યુમાં એ. આર. રહમાને તેનાં લગ્ન કઈ રીતે થયાં એની માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘અમે મારી ૨૮મી વર્ષગાંઠ ૧૯૯૫ની ૬ જાન્યુઆરીએ પહેલી વાર મળ્યાં હતાં. એ બહુ નાની મુલાકત હતી. એ પછી અમે એકબીજા સાથે ચૅટ કરતાં હતાં. સાયરા કચ્છી ગુજરાતી છે અને તે કચ્છી અને ઇંગ્લિશમાં બોલે છે. મેં તેને ઇંગ્લિશમાં પૂછ્યું હતું કે શું મારી સાથે લગ્ન કરવા માગે છે? એ વખતે તે બહુ શાંત રહેતી હતી. અમે સાઉથ ઇન્ડિયન અને સાયરા કચ્છી ગુજરાતી બૅકગ્રાઉન્ડમાંથી આવતી હતી. દરેક પરિવારમાં જે રીતે નવી વ્યક્તિ આવતાં ઍડ્જેસ્ટમેન્ટ કરવું પડતું હોય છે અને એ મુશ્કેલ હોય છે એ પ્રમાણે અમારા પરિવારમાં પણ થયું. અમે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. જે રીતે દરેક માતા તેના પરિવાર માટે, બાળકો માટે પઝેસિવ હોય છે એવી રીતે મારી માતા પણ મારા માટે પઝેસિવ હતી. એથી ઍડ્જસ્ટમેન્ટમાં સમય લાગતો હોય છે. એ પછી અમારી પ્રથમ દીકરીનો જન્મ થયો અને એ પછી બધું થાળે પડ્યું.’