14 May, 2024 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની ફાઇલ તસવીર
અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) બોલિવૂડ (Bollywood) ના સૌથી પોપ્યુલર કપલ્સમાંથી એક છે. જ્યારે પણ વિરાટ - અનુષ્કા (Virushka) ની જોડી ક્યાંક જોવા મળે છે, ત્યારે ચાહકો ખૂબ ખુશ થાય છે. ફેન્સ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની તસવીરની આતુરતાથી રાહ જોતા હોય છે. આ કપલ તેમના વ્યાવસાયિક અને અંગત જીવનને અલગ રાખવાનું પસંદ કરે છે. આ કારણોસર, હજી સુધી તેમના બન્ને બાળકો વામિકા (Vamika Kohli) અને અકાય (Akay Kohli) ના ફોટા સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યા નથી અને પાપારાઝી (Paparazi) ને તેમના ફોટા ક્લિક ન કરવા વિનંતી પણ કરી છે. હવે વિરાટ-અનુષ્કાએ બાળકોની ગોપનીયતા જાળવવા બદલ પાપારાઝીનો આભાર (Anushka Sharma - Virat Kohli Thanks Paps) માન્યો છે. એટલું જ નહીં દંપતીએ પાપારાઝી માટે ગિફ્ટ હેમ્પર્સ પણ મોકલ્યા છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની પુત્રી વામિકાનો જન્મ ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ થયો હતો. તેના જન્મ પછી કપલે પાપારાઝીને પ્રાઈવસી જાળવવા વિનંતી કરી હતી. ત્યારબાદ વિરાટ – અનુષ્કાએ પોતાના પુત્ર અકાય માટે પણ આવું જ કર્યું છે. અકાયનો જન્મ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ થયો છે. કપલે પાપારાઝીને વિનંતી કર્યા પછી, તેઓ પણ અનુષ્કા-વિરાટની વિનંતી માટે સંમત થયા હતા. કપલની વિનંતી બાદ પાપારાઝીએ બાળકોની ગોપનીયતા જાળવી રાખી હતી.
જ્યારે પણ અનુષ્કા અને વિરાટ બાળકો સાથે જોવા મળે છે, ત્યારે તેઓ તેમના ચહેરા છુપાવે છે અને પાપારાઝીને તસવીરો ન લેવાની અપીલ પણ કરે છે.
વિરુષ્કા લો-પ્રોફાઇલ જીવન જીવે છે જેથી તેઓ અને તેમના બાળકો સતત મીડિયાની નજરોથી બચી શકે અને સામાન્ય પારિવારિક જીવન જીવી શકે. તેઓ એ હકીકત વિશે અત્યંત વિચારશીલ છે કે તેમની ગોપનીયતાનું રક્ષણ કરવાથી તેમના પરિવાર અને તેમના બાળકોના ઉછેર પર સકારાત્મક અસર પડી શકે છે.
અનુષ્કા અને વિરાટે હવે પાપારાઝીને ગિફ્ટ હેમ્પર મોકલ્યું છે. જેમાં તેના માટે ક્યૂટ ગિફ્ટ્સ છે અને એક નોટ પણ લખેલી છે. તે નોટમાં લખ્યું છે, ‘અમારા બાળકોની ગોપનીયતા જાળવવા અને હંમેશા સહકાર આપવા બદલ આભાર. લવ- અનુષ્કા-વિરાટ.’
આ હેમ્પરમાં ઘણી બધી વસ્તુઓ છે. લોકો આ પોસ્ટ પર કોમેન્ટ કરીને કપલના વખાણ કરી રહ્યા છે. એક પાપારાઝીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનુષ્કા અને વિરાટ દ્વારા પાપારાઝીને આપેલી ગિફ્ટ હેમ્પરનો વીડિયો શેર કર્યો છે. એ પણ દર્શાવવામાં આવ્યું છે કે તેમાં પાવર બેંક, સ્માર્ટ વોચ, પાણીની બોટલ અને બેગ સાથે અન્ય કેટલીક વસ્તુઓ છે. ખાસ વાત એ છે કે આ ગિફ્ટ હેમ્પરમાં પાપારાઝીને જરૂરી તમામ વસ્તુઓ હોય છે.
અનુષ્કા અને વિરાટના આ કાર્યએ પાપારાઝી ઉપરાંત ચાહકોનું પણ દિલ જીતી લીધું હતું.