04 September, 2023 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ-અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપનું કહેવું છે કે આલિયા ભટ્ટ બેસ્ટ પર્ફોર્મર છે, પરંતુ તે તેના બજેટ બહારની વાત છે. આલિયા ભટ્ટને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે. આલિયાએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. તેણે હૉલીવુડમાં પણ ડેબ્યુ કર્યું છે. તે મમ્મી પણ બની ગઈ છે અને તેની લાઇફમાં તે હાલમાં ખૂબ જ સારા તબક્કામાં છે. આ વિશે વાત કરતાં અનુરાગે કહ્યું કે ‘મારું માનવું છે કે આલિયા આપણા દેશની બેસ્ટ પર્ફોર્મરમાંની એક છે. તેનું કામ જોયા બાદ હું હંમેશાં તેનો સંપર્ક કરું છું. જોકે તેણે કોઈ કામ કર્યું હોય અને મને એ પસંદ ન પડ્યું હોય તો હું ત્યારે ચૂપ રહેવાનું પસંદ કરું છું. મને તેની સાથે કામ કરવાનું ગમશે જો ફિલ્મના બજેટ પર અસર ન પડતી હોય અને મારી ફિલ્મને લઈને મારા જે વિચારો હોય એને પણ અસર ન થતી હોય. જોકે આ બન્ને સાઇડથી હોવું જોઈએ.’
કોઈ પણ ઍક્ટર તેની સાથે કામ કરવા વિશે જરા પણ ખચકાય તો અનુરાગ પોતે ત્યાંથી દૂર થઈ જાય છે. આ વિશે વાત કરતાં અનુરાગે કહ્યું કે ‘હંમેશાં ઇચ્છા રાખવામાં હું નથી માનતો. હું કોઈ પણ ઍક્ટરને એક વાર પૂછું છું ત્યાર બાદ તેમની પાછળ નથી પડતો. જો કોઈ મને સ્ક્રિપ્ટમાં થોડોઘણો બદલાવ કરવા કહે તો હું એ કરું છું, પરંતુ ફિલ્મને લઈને તેઓ જરા પણ હેઝિટેટ થાય કે હું ત્યાંથી દૂર થઈ જાઉં છું. જો કોઈ પણ ઍક્ટર દિલથી કામ ન કરે તો સ્ક્રીન પર એ સરળતાથી જોઈ શકાય છે.’