01 June, 2024 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુલશન દેવૈયા
અનુરાગ કશ્યપ અને ગુલશન દેવૈયા પોલીસ-વિલન ચેઝની સિરીઝ ‘બૅડ કૉપ’માં સાથે દેખાવાના છે. એમાં તેમની સાથે હરલીન સેઠી અને સૌરભ સચદેવ પણ લીડ રોલમાં દેખાશે. આ શો ડિઝની + હૉટસ્ટાર પર ટૂંક સમયમાં રિલીઝ થશે. એમાં વિલન કઝબેના રોલમાં અનુરાગ કશ્યપ અને પોલીસ કરણના રોલમાં ગુલશન દેખાવાનો છે. પોતાના રોલ વિશે અનુરાગ કશ્યપ કહે છે, ‘મેં લોહીલુહાણ, મજાકિયા, ડાર્ક અને એવાં અનેક કૅરૅક્ટર ઘડ્યાં છે. જોકે મારા માટે આ રોલ કરવો ખૂબ અઘરો રહ્યો. કઝબે એક એવો માણસ છે જે કાંઈ પણ કરવા માટે વધારે વિચારતો નથી. તે ખૂબ ક્રૂર, વિચિત્ર અને નિર્દયી વિલન છે.’
તો બીજી તરફ ગુલશન કહે છે, ‘મારા માટે આ હટકે રોલ હોવાથી હું ખૂબ ઉત્સુક છું. હું અલગ પોલીસના રોલમાં દેખાવાનો છું. ડિરેક્ટર આદિત્ય દત્તની કામ કરવાની સ્ટાઇલને હું જાણું છું, કેમ કે અગાઉ પણ મેં તેની સાથે કામ કર્યું છે. તે હંમેશાં શોને મનોરંજક અને કૂલ બનાવવા માગે છે જેને લોકો એન્જૉય કરી શકે. અનુરાગ સાથે કામ કરવાની મજા આવી. તેમણે અગાઉ મારી ફિલ્મોને પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી છે. તેમની સાથે ઍક્શન સીક્વન્સ શૂટ કરવાની પણ મજા આવી હતી. મેં કદી વિચાર્યું નહોતું કે મને તેમની સાથે ઍક્ટિંગ કરવાની તક મળશે. મારા પોલીસના રોલ વિશે લોકો શું કહેશે એ જાણવા માટે આતુર છું.’