07 March, 2022 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનુપમ ખેર
પીઢ અભિનેતા અનુપમ ખેર (Anupam Kher) માટે ઉંમર માત્ર એક નંબર છે! અને આ વાત તમે પણ માનશો જ, તેમણે તાજેતરમાં સોશ્યલ મીડિયા પર શૅર કરેલી તસવીર જોઈને. અભિનેતાનો આજે ૬૭મો જન્મદિવસ છે. પરંતુ તેમનો જોષ, જુસ્સો અને અભિનય એક યુવાનને પણ પાછળ પાડી દે તેવો છે. અનુપમ ખેર હંમેશા સોશ્યલ મીડિયા પર પ્રેરણાદાયી વીડિયો શૅર કરતા હોય છે. પણ આજે તેમને બૉડી ટ્રાન્સફોર્મેશનની જે તસવીરો શૅર કરી છે તે જોઈને સહુ કોઇ સ્તબ્ધ થઈ ગયા છે. જન્મદિવસના દિવસે અનુપમ ખેરે ફૅન્સને જણાવી દીધું છે કે, ‘ફિટનેસ હંમેશા મારું સપનું રહી છે’.
અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર શૅર કરેલી બૉડી ટ્રાન્સફોર્મેશનની તસવીર જોઈને એવું કહેવાનું મન થાય કે, ‘ઉંમર ભલે ૬૭ની થઇ પણ બૉડી ૨૭ જેવી જ છે’. આ તસવીરોની સાથે તેમને કૅપ્શનમાં લખ્યું છે કે, ‘મને જન્મદિવસની શુભેચ્છાઓ! આજે જ્યારે હું મારું ૬૭મું વર્ષ શરૂ કરી રહ્યો છું, ત્યારે હું મારા માટે એક નવું વિઝન રજૂ કરવા માટે પ્રેરિત અને ઉત્સાહિત છું. આ તસવીરો વર્ષોથી મારી ધીમી પરંતુ સતત ચાલતી પ્રક્રિયાની ઝલક છે. ૩૭ વર્ષ પહેલાં તમે એક યુવાન અભિનેતાને મળ્યા હતા જેણે ખૂબ જ બિનપરંપરાગત રીતે શરૂઆત કરી હતી અને 65 વર્ષના વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. મારી સમગ્ર કારકિર્દી દરમિયાન મેં એક કલાકાર તરીકે દરેક માર્ગને શોધવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ એક સ્વપ્ન જે હંમેશા મારી અંદર હતું તેને વાસ્તવિકતા બનાવવા માટે ક્યારેય કંઈ કર્યું નથી.’
તેમણે આગળ લખ્યું, ‘મારું સપનું હતું કે મારી ફિટનેસને ગંભીરતાથી લેવી અને મારું શ્રેષ્ઠ સંસ્કરણ દેખાવું અને અનુભવું. મેં મારી ફિટનેસ સફરની શરૂઆત કરી છે અને જેમ હું હંમેશા કરતો આવ્યો છું તેમ હું તમારી સાથે આ સફર શૅર કરવા માંગુ છું. હું મારા સારા અને ખરાબ દિવસો શૅર કરીશ અને આશા છે કે એક વર્ષ પછી આપણે સાથે મળીને એક નવો મી ઉજવીશું. મને શુભેચ્છાઓ આપો. આ ૨૦૨૨ છે. જય હો.’
આ પોસ્ટ પર અભિનેતાને અનેક લોકોએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને તેમના શારીરિક પરિવર્તનની પ્રશંસા કરી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, અનુપમ ખેર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં જોવા મળશે. આ ફિલ્મ ૧૧ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.