midday

અનુપમ ખેરે હરિદ્વારમાં ઊજવી આધ્યાત્મિક વર્ષગાંઠ

11 March, 2025 06:56 AM IST  |  Haridwar | Gujarati Mid-day Correspondent

સંતોના આશીર્વાદ, ગંગા આરતી અને સાધુ-સંતોને ભોજન
અનુપમ ખેર અને તેમની માતા

અનુપમ ખેર અને તેમની માતા

સાતમી માર્ચે અનુપમ ખેરની ૭૦મી વર્ષગાંઠ હતી અને તેમણે એ દિવસ પોતાના પરિવારજનો અને મિત્રો સાથે હરિદ્વારમાં મનાવ્યો હતો. અહીં તેઓ પરિવાર અને મિત્રો સાથે સ્વામી અવધેશાનંદગિરિને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા તથા ગંગા આરતીમાં ભાગ લીધો હતો. અનુપમ ખેરે આ ખાસ અંદાજમાં ઊજવેલા જન્મદિનનો અનુભવ ફૅન્સ સાથે શૅર કર્યો હતો. તેમનું કહેવું છે કે આ તેમનો અત્યાર સુધીનો સૌથી શાનદાર જન્મદિવસ રહ્યો છે.

અનુપમ ખેરે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી છે જેમાં લખ્યું છે, ‘હરિદ્વારમાં જન્મદિવસ ઊજવીને મન અને આત્મા બન્નેમાં આનંદ થયો અને આત્મિક તૃપ્તિ મળી. બાળપણમાં તો આવી જ રીતે જન્મદિવસ મનાવતા હતા. પરિવાર અને મિત્રો સાથે પૂજા કરીને, સંતોને ભોજન કરાવીને, હસીને-ગાઈને લીધા ગંગામૈયાના આશીર્વાદ. ગંગા આરતીની પળો અવિસ્મરણીય હતી. હું સ્વામી અવધેશાનંદજી અને હરિહર આશ્રમના દરેક સંત અને વૉલન્ટિયરનો દિલથી આભાર માનું છું જેમણે મારા માટે પ્રાર્થના કરી અને મારા મિત્રો તથા પરિવારના દરેક સભ્યનું અભિવાદન પણ કર્યું હતું. શ્રી ગંગાસભાએ ખૂબ શ્રદ્ધાથી ગંગા આરતી કરાવી. ખૂબ-ખૂબ આભાર. જય માં ગંગે.’

સાધુ-સંતોને ભોજન
અનુપમ ખેરની આધ્યાત્મિક ઉજવણીમાં અનિલ કપૂર, તેમનાં પત્ની સુનીતા કપૂર, સંગીત-નિર્દેશક એમ. એમ. કીરાવાની અને અશોક પંડિત પણ જોડાયાં હતાં. આ સેલિબ્રેશનના કેટલાક વિડિયો વાઇરલ થયા છે જેમાં અનુપમ ખેર અને અનિલ કપૂર સાધુઓમાં ભોજનવિતરણ કરતા જોવા મળે છે. અનુપમે માથા પર ચંદનનું તિલક કર્યું છે અને સફેદ કુર્તા-પાયજામા, સ્ટોલ અને રુદ્રાક્ષની માળા પહેરી છે. અનિલ કપૂર આધુનિક કૅઝ્‍યુઅલ શર્ટમાં છે જ્યારે સુનીતા લાલ સૂટમાં છે. બધાં એક ટેબલની બાજુમાં ઊભાં છે અને સાધુઓને શાક-પૂરી, ખીર અને રાયતું પીરસી રહ્યાં છે.

માતા સાથે ગંગાઘાટની મુલાકાત
અનુપમ ખેરે તેમના જન્મદિવસ પૂર્વે ગંગાઘાટની મુલાકાત લીધી અને ઘાટ પર પૂજા-અર્ચના કરી હતી. એ સમયે તેમની સાથે તેમનાં માતા દુલારી અને ભાઈ રાજુ ખેર પણ હતાં. જોકે આ સમગ્ર સેલિબ્રેશનમાં પત્ની કિરણ ખેર અને દીકરો સિકંદર ખેર જોવા નહોતાં મળ્યાં.

anupam kher anil kapoor happy birthday religious places ganga haridwar bollywood bollywood news entertainment news viral videos instagram social media