30 November, 2022 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર
અનુપમ ખેર દ્વારા હાલમાં ઇઝરાયલના ફિલ્મમેકર નાદવ લૅપિડને ટૂલકિટ ગૅન્ગ સાથે સરખાવ્યો છે. નાદવે હાલમાં ‘ધ કશ્મીર ફાઇલ્સ’ને લઈને કમેન્ટ કરી હતી. આ કમેન્ટ હવે પૉલિટિકલ મુદ્દો બની ગઈ છે. એને અનુપમ ખેર દ્વારા ટૂલકિટ ગૅન્ગ સાથે સરખાવાઈ છે. ટૂલકિટ ગૅન્ગ સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યું હતું. ટૂલકિટ એટલે એક ચોક્કસ દિશા તરફ કોઈને પણ દોરવા માટેની એક યોજના. આ યોજના સારી હોય કે ગેરમાર્ગે દોરતી હોય એનાથી કોઈ ફરક નથી પડતો. આ વિશે અનુપમ ખેરે કહ્યું કે ‘ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’નું સત્ય કેટલાક લોકોને ગળામાં હાડકું અટકી જાય એમ ખટકી રહ્યું છે. તેઓ એને ગળી નથી શકતા અને બહાર પણ કાઢી નથી શકતા. તેમનો આત્મા મરી પરવાર્યો છે અને આ ફિલ્મ એક જૂઠ છે એને તેઓ પ્રૂવ કરવા માટે ઘણી મહેનત કરી રહ્યા છે. જોકે અમારી ફિલ્મ હવે ફક્ત એક ફિલ્મ નથી રહી, એ ચળવળ બની ગઈ છે. આ ટૂલકિટ ગૅન્ગ દ્વારા જેટલી મહેનત કરવી હોય એટલી તેઓ કરી શકે છે.’
કોણે શું કહ્યું?
સત્ય ખૂબ ખતરનાક હોય છે. એ લોકો પાસે ખોટું પણ બોલાવી શકે છે. : વિવેક અગ્નિહોત્રી
જ્યુરી અથવા ક્રિટિક દ્વારા કોઈ પણ ફિલ્મ વિશે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ખૂબ અયોગ્ય છે. આ પૉલિટિકલ વધુ લાગે છે. સિનેમા હંમેશાં સત્ય અને ચેન્જ લાવવા માટે મદદરૂપ રહ્યું છે. ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનો ઉપયોગ પૉલિટિક્સ માટે કરવામાં આવ્યો એનું દુઃખ છે. : રણવીર શૌરી
નાદવ લૅપિડ, અમને તારા વેલિડેશનની જરૂર નથી. અમારા લાખો લોકો એમાંથી પસાર થયા છે અને હું એમાંની ઘણી ફૅમિલીને પર્સનલી મળ્યો છું. મેં તેમનું દુઃખ જોયું છે. : અભિષેક અગરવાલ
મેં સૌથી પહેલાં સવારે મારા ફ્રેન્ડ અનુપમ ખેરને કૉલ કર્યો હતો. મેં તેમની માફી માગી હતી. મેં તેમને કહ્યું કે આ તેમનો પ્રાઇવેટ ઓપિનિયન છે અને એમ છતાં મેં માફી માગી લીધી હતી. નાદવ લૅપિડના સ્ટેટમેન્ટ સાથે ઇઝરાયલને કોઈ લેવાદેવા નથી. : કોબી શોશાની, કૉન્સલ જનરલ ટુ મિડવેસ્ટ ઇન્ડિયા
સૌથી પહેલાં તો નાદવ લૅપિડે જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં આવેલા કાશ્મીરી પંડિતના કૅમ્પમાં જવું જોઈએ. આવું સ્ટેટમેન્ટ એ જ વ્યક્તિ આપી શકે છે જેની પાસે ગ્રાઉન્ડ સિચુએશન અને જે-તે જગ્યાની માહિતી ન હોય. : રવિન્દર રૈના, : જમ્મુ ઍન્ડકાશ્મીર બીજેપી ચીફ
ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના જ્યુરી પ્રેસિડન્ટ નાદવ લૅપિડ દ્વારા ‘ધ કશ્મીર ફાઇલ્સ’ને વલ્ગર પ્રૉપગૅન્ડા ફિલ્મ કહેવામાં આવી છે. બીજેપીની સરકારે આ ફિલ્મને ખૂબ પ્રમોટ કરી હતી, પરંતુ ઇન્ટરનૅશનલ લેવલે આજે એની હાલત શરમજનક થઈ ગઈ છે. : શમા મોહમ્મદ, કૉન્ગ્રેસ સ્પોકપર્સન