27 January, 2023 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
અભિનેતા અન્નુ કપૂર (Annu Kapoor)ના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા અન્નુ કપૂરને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હૉસ્પિટલમાં દાખલ (Annu Kapoor Admitted To Hospital) કરવામાં આવ્યા છે. જોકે, ડૉકટરોનું કહેવું છે કે હવે તેમની હાલત સ્થિર છે અને તે સ્વસ્થ થઈ રહ્યા છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં અન્નુ કપૂરના મેનેજર સચિને કહ્યું કે અભિનેતાને છાતીમાં દુખાવો છે. તેમને ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા હતા. સવારે જ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર છે. હવે તે બધા સાથે આરામથી વાત કરી રહ્યા છે.”
ડૉક્ટરે આપ્યું હેલ્થ અપડેટ
પ્રખ્યાત અભિનેતા અને ગાયક અન્નુ કપૂરને 26 જાન્યુઆરીએ સવારે દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ. અજય (ચેરમેન બૉર્ડ ઑફ મેનેજમેન્ટ)ના જણાવ્યા અનુસાર, કપૂરને છાતીની સમસ્યાને કારણે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કાર્ડિયોલોજીના ડૉ. સુશાંતની સારવાર હેઠળ છે. આ સમયે અન્નુ કપૂર સ્થિર છે અને સ્વસ્થ છે.
અન્નુ કપૂરનો જન્મ 20 ફેબ્રુઆરી 1956ના રોજ ભોપાલમાં થયો હતો. અન્નુ કપૂરના પિતા મદનલાલ કપૂર પંજાબી હતા. તેમના માતા કમલા બંગાળી હતાં. અન્નુ કપૂરના પિતા પારસી થિયેટર કંપની ચલાવતા હતા જે એક શહેરથી બીજા શહેરમાં જઈને શેરીઓના ખૂણે પ્રદર્શન કરતી હતી. જ્યારે, અભિનેતાનાં માતા કવયિત્રી હતા. ઉપરાંત, તેમને ક્લાસિકલ ડાન્સ શોખ હતો. પરિવાર ખૂબ જ ગરીબ હતો. અન્નુ કપૂર આર્થિક ભીંસના કારણે ભણી શક્યા ન હતા. આવી સ્થિતિમાં, અન્નુ કપૂર બાળપણમાં તેમના પિતાની થિયેટર કંપનીમાં જોડાયા હતા. ત્યારબાદ અન્નુ કપૂરે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં એડમિશન લીધું. અહીં સખત મહેનત કરી. થિયેટર કર્યું અને અભિનય શીખ્યા.
આ પણ વાંચો: મને સન્માનિત કરીને તમે મારા દેશનું માન વધાર્યું છે : અમિતાભ બચ્ચન
અન્નુ કપૂરનું નસીબ ત્યારે બદલાઈ ગયું જ્યારે માત્ર 22-23 વર્ષની ઉંમરે તેમણે એક નાટકમાં 70 વર્ષના વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા ભજવી. તેમને જોવા માટે ફેમસ ડાયરેક્ટર શ્યામ બેનેગલ પણ પહોંચ્યા હતા. તે અન્નુના કામ અને અભિનયથી એટલા પ્રભાવિત થયા કે તેમણે અન્નુ કપૂરને એક પત્ર મોકલ્યો, જેમાં તેમની ભરપૂર પ્રશંસા કરી હતી. આ સાથે શ્યામ બેનેગલે તેમને તેમના ઘરે મળવા પણ બોલાવ્યા હતા.