19 December, 2023 09:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુરેશ ઑબરોય અને વિવેક ઑબરોય
વિવેક ઑબરોય (Vivek Oberoi) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) વચ્ચેના સંબંધો એક સમયે બહુ ચર્ચામાં હતા. જોકે અભિનેતાના પિતા અને ‘એનિમલ’ (Animal) ફૅમ એક્ટર સુરેશ ઑબરોય (Suresh Oberoi) વિવેક – ઐશ્વર્યાના સંબંધોથી અજાણ હતા અને આ વિશે તેમણે પહેલી જ વાર ખુલીને વાત કરી છે. એટલું જ નહીં સુરેશ ઑબરોયે સલમાન ખાન (Salman Khan) અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથેના તેના સંબંધો વિશે પણ વાત કરી છે.
વિવેક ઑબરોય અને ઐશ્વર્યા રાય બચ્ચને વર્ષ ૨૦૦૪માં રિલીઝ થયેલી ફિલ્મ `ક્યૂં! હો ગયા ના` (Kyun! Ho Gaya Na)માં સાથે કામ કર્યું હતું. એક તરફ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચને ક્યારેય વિવેક ઑબરોય સાથેના પોતાના સંબંધોને ક્યારેય કન્ફર્મ નથી કર્યા તો બીજી તરફ વિવેકે કારકિર્દીની શરૂઆતમાં જ પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. તે દરમિયાન વિવેકે સલમાન ખાન પર ઘણા આરોપો પણ લગાવ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે વિવેક ઑબરોયના પિતાને પણ ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના તેમના સંબંધો વિશે ખબર ન હતી અને જ્યારે તેમને ખબર પડી તો તેમણે તેમના પુત્રને આ વાત સમજાવી હતી.
સંદીપ રેડ્ડી વાંગા (Sandeep Reddy Vanga)ની ફિલ્મ `એનિમલ` (Animal)માં રણબીર કપૂર (Ranbir Kapoor)ના દાદાની ભૂમિકા ભજવનાર એક્ટર અને વિવેક ઑબરોયના પિતા સુરેશ ઑબરોયે દીકરા વિવેક – ઐશ્વર્યાના સંબંધો પર દિલ ખોલીને વાત કરી છે.
સુરેશ ઑબરોયે કહ્યું કે, ‘મને મોટાભાગની બાબતોની ખબર ન હતી. વિવેકે મને ક્યારેય કહ્યું ન હતું. મને આ વિશે રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma) પાસેથી ખબર પડી હતી. જો કે, તેમની પહેલાં અન્ય કોઈએ પણ મને કહ્યું હતું. હું આખી વાત સમજી ગયો હતો અને પછી મેં તેને તેમ ન કરવા સમજાવ્યો પણ હતો.’
સુરેશ ઑબરોયે સલમાન ખાન અને સલીમ ખાન (Salim Khan) સાથેના તેના સંબંધો વિશે વધુ ખુલાસો કર્યો, ‘હું તે સમયે અને અત્યારે પણ વિવેક સાથે શાંતિથી જ વાત કરતો હતો. અમે તો અત્યારે પણ બધા એકબીજાને શાંતિથી અને પ્રેમથી મળીએ છીએ. જ્યારે પણ સલમાન ખાન મને મળે છે ત્યારે મને માન આપે છે અને હાથમાં સિગરેટ હોય તો તે છુપાવીને પછી મારી સાથે વાત કરે છે. હું હંમેશા વિવેકને સલીમ જીના પગે પડવા માટે કહું છું. હું સલીમભાઈને પણ માન આપું છું. ઘણુંબધું થયું પણ મારા સંબંધો ઘણા સારા છે.’
તમને જણાવી દઈએ કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધો વર્ષ ૨૦૦૨માં તૂટી ગયા હતા જ્યારે ફિલ્મ `ક્યૂં! હો ગયા ના`ના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા અને વિવેક ઑબરોય એકબીજાની ખુબ નજીક હોવાના સમાચાર આવ્યા હતા. આ પછી વિવેક ઑબરોયની કારકિર્દી બરબાદ થઈ ગઈ હોવાનો દાવો પણ ઘણી વખત કરવામાં આવ્યો હતો.