સ્ટાર્સની જંગી ફીની અસર ફિલ્મના બજેટ પર પડે છે

04 July, 2024 12:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રોડ્યુસર તરીકે પડતી તકલીફ વિશે અનિલ કપૂરે આપવીતી જણાવી

અનિલ કપૂર

અનિલ કપૂરે પણ ઍક્ટર્સની વધી રહેલી ફીને કારણે ચિંતા વ્યક્ત કરી છે. બૉલીવુડમાં છેલ્લા ઘણા સમયથી ઍક્ટર્સની ફીને લઈને ફિલ્મના બજેટ પર જે અસર પડે છે એ વિશે ચર્ચા ચાલી રહી છે. કરણ જોહરે હાલમાં કહ્યું હતું કે ઍક્ટર્સ જે જંગી ફીની ડિમાન્ડ કરી રહ્યા છે એની સીધી અસર ફિલ્મ પર પડે છે. એ વિશે અનિલ કપૂર કહે છે, ‘આ ચર્ચાનો વિષય છે. દરેક ઍક્ટર્સ, ઍક્ટ્રેસિસ અને ટેક્નિશ્યન ખાસ કરીને સ્ટાર્સે વધુ વાસ્તવિક બનવાની જરૂર છે જેથી ફિલ્મમેકર વધુ સારી રીતે ફિલ્મ બનાવી શકે. મેં સાંભળ્યું છે કે કરણ જોહરે સ્ટાર્સની જંગી ફી વિશે જે વાત કરી છે હું તેની સાથે સહમત છું. મારા પિતા પણ પ્રોડ્યુસર હતા. સારી ફિલ્મો બનાવવા માટે મારી ફૅમિલી ખૂબ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ છે. અમે અમારા પૈસા ફિલ્મ બનાવવા પાછળ લગાવી દીધા હતા, પરંતુ સ્ટાર્સની જંગી ફીને કારણે અમે ફિલ્મની ગુણવત્તા નહોતી જાળવી શકતા. સ્ટાર્સની ફીની અસર બજેટ પર પડે છે. પ્રોડ્યુસર તરીકે મેં એનો અહેસાસ કર્યો છે.’

ફ્રીમાં ફિલ્મોમાં કામ કર્યું છે અનિલ કપૂરે

અનિલ કપૂરે ફિલ્મોમાં ફ્રીમાં કામ કર્યું છે જેથી તે દર્શકો સુધી પહોંચી શકે. આજે બૉલીવુડમાં સ્ટાર્સ ખૂબ મોટી રકમ ચાર્જ કરે છે. પોતાના સમયની વાત કરતાં અનિલ કપૂર કહે છે, ‘દુનિયામાં ગમે તે થઈ જાય, હું તો કમાઈશ એ માઇન્ડસેટ સાથે હું ક્યારેય કામ નથી કરતો. હું હંમેશાં મારી ફી ઓછી કરવા માટે તૈયાર રહું છું. ફી ઓછી લેવાની વાત તો છોડો, મેં ફિલ્મો પણ ફ્રીમાં કરી છે. મેકર્સને સપોર્ટ કરવા માટે મેં એક પણ પૈસા ચાર્જ નથી કર્યા એવું પણ ઘણી વાર બન્યું છે. મારે તેમનું નામ નથી લેવું. મારી જનરેશનના અને એ પહેલાંના એવા ઘણા ઍક્ટર્સ છે જેમણે ફી ઘટાડી છે અને મફતમાં ફિલ્મમાં કામ કર્યું છે.’

anil kapoor upcoming movie entertainment news bollywood bollywood news