11 October, 2024 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનીસ બઝ્મી
‘નો એન્ટ્રી’, ‘વેલકમ’ અને ‘સિંઘ ઇઝ કિંગ’ જેવી કૉમેડી ફિલ્મો બનાવનારા અનીસ બઝ્મીની આ દિવાળીએ ‘ભૂલભુલૈયા 3’ આવી રહી છે, જેનું ટ્રેલર મંગળવારે જયપુરમાં લૉન્ચ કરવામાં આવ્યું. અનીસ બઝ્મીએ આપેલા લેટેસ્ટ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘વેલકમ’ના ટેસ્ટ-સ્ક્રીનિંગ બાદ લોકોના નેગેટિવ રિસ્પૉન્સના કારણે તેમને હૉસ્પિટલાઇઝ થવું પડ્યું હતું.
કામના પૉઝિટિવ અને નેગેટિવ રિસ્પૉન્સ વિશે વાત કરતાં અનીસ બઝ્મીએ કહ્યું હતું, ‘અત્યારની મારી ઘણી પૉપ્યુલર ફિલ્મોની શરૂઆત ખરાબ રહી હતી. મારી અમુક ફિલ્મો મેં રિલીઝ પહેલાં લોકોને બતાવી હતી અને લોકોનું રીઍક્શન હતું કે: ઓહ માય ગૉડ! આ શું ભંગાર બનાવ્યું છે!’
અનીસ બઝ્મીએ ૨૦૦૭ની તેની કૉમેડી ફિલ્મ ‘વેલકમ’ વિશે વાત કરતાં કહ્યું હતું, ‘‘વેલકમ’ જોયા બાદ લોકોની એક જ ફરિયાદ હતીઃ આ કૉમેડી નથી! મેં તેમને કહ્યું કે મેં આ જ બનાવ્યું છે અને હવે હું થિયેટરમાં જઈને લોકોને ગલગલિયાં નહીં કરી શકું, આ પ્રકારની જ કૉમેડી બનાવતાં મને આવડે છે, હું આમાં વિદૂષકવેડા અને ડબલ મીનિંગ નહીં નાખી શકું, એ શૉર્ટકટ્સ છે અને હું એમાં નથી માનતો, હું લખાયેલી કૉમેડીમાં વિશ્વાસ કરું છું.’
અનીસ બઝ્મી આગળ કહે છે, ‘‘વેલકમ’ના ટ્રાયલ-રનમાં થિયેટરમાં બેઠેલી એક પણ વ્યક્તિ હસી નહોતી. લોકોને ફિલ્મ નહોતી ગમી. ફિલ્મ સાથે જોડાયેલા ફાઇનૅન્સર સહિતના ઘણા લોકો હતા. એટલે હું બહુ સ્ટ્રેસમાં હતો. હૉસ્પિટલાઇઝ થઈ ગયો હતો. હૉસ્પિટલના બેડ પર મેં મારી ફિલ્મના દરેક સીનનો રિવ્યુ કર્યો. બે દિવસના અંતે હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો કે આ ફિલ્મ કામ કરશે.’