28 January, 2024 07:10 AM IST | Mumbai | Rashmin Shah
સંજય ગોરડિયા
પોતાની ફિલ્મના પ્રમોશન અને નાટકના શો વચ્ચે સતત દોડધામ કરતા જાણીતા ઍક્ટર-પ્રોડ્યુસર-ડિરેક્ટર સંજય ગોરડિયા ગઈ કાલે બરાબરના અટવાયા હતા અને વડોદરા પહોંચતાં જ તેમણે પોતાનાં ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન માટે દોડાદોડી કરવી પડી હતી. આ દોડાદોડીનું કારણ એ કે સંજયભાઈનું પાઉચ ટૂ-ટિયર એસી કમ્પાર્ટમેન્ટમાંથી કોઈ ગઠિયો ચોરીને ફરાર થઈ ગયો. જાણીતા લેખક અશ્વિની ભટ્ટની નવલકથા ‘કમઠાણ’ પરથી બનેલી એ જ ટાઇટલની ફિલ્મમાં સંજયભાઈ રઘલા ચોરનું મુખ્ય કૅરેક્ટર કરે છે. ફિલ્મના પ્રમોશન માટે સોમવારે સંજયભાઈએ વડોદરા જવાનું હતું.
રવિવારે ચોપાટી ભવન ખાતે નાટકનો શો પૂરો કરી, વડોદરા જવા માટે સંજયભાઈએ દાદરથી ભગત કી કોઠી ટ્રેન પકડી હતી. ટૂ-ટિયર એસી ટ્રેનમાં બર્થ પર આવી પોતાનું થોડું કામ પતાવી સંજયભાઈ સૂઈ ગયા, પણ સવારે જ્યારે તે જાગ્યા ત્યારે તેમણે જોયું કે સૂતી વખતે તે જે પાઉચ પોતાની બાજુમાં રાખે છે એ પાઉચ નહોતું. આખા કોચમાં પાઉચ શોધ્યું, પણ મળ્યું નહીં એટલે તેમને સમજાઈ ગયું કે ફિલ્મી રઘલાને સાચો રઘલો હડફેટે ચડાવી ગયો.
સાથે રાખતા એ પાઉચમાં થોડી કૅશ હતી તો સાથોસાથ મોબાઇલ કનેક્ટિંગ માઇક, અમુક મેડિસિન, ઇન્સ્યુલિનની નોવાપેન હતી. સંજયભાઈએ પોલીસ ફરિયાદ કરી દીધી છે. સંજયભાઈ કહે છે, ‘જનરલ કોચમાં કે સેકન્ડ ક્લાસમાં ચોરી થાય એ હજી પણ સમજાય, પરંતુ ટૂ-ટિયર જેવી સૌથી સેફ અને બબ્બે અટેન્ડન્ટવાળા કોચમાં આવું બને એ તો કેવું ખરાબ કહેવાય?’