01 September, 2015 12:43 AM IST |
અમિતાભ બચ્ચનના મોબાઇલ પર લગભગ છેલ્લા ઘણાં સમયથી અપશબ્દોભર્યા મેસેજ આવે છે અને ગઈ કાલે તેમનું ટ્વિટર-અકાઉન્ટ હૅક થતાં તેમણે પોલીસની મદદ માગી હતી. અમિતાભે જુહુ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટરને એક પત્ર લખીને ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં તેમણે લખ્યું છે કે ‘ડિયર સર, છેલ્લા ઘણા સમયથી મારા પર્સનલ મોબાઇલ પર મને કેટલાક અપશબ્દોભર્યા મેસેજ મળી રહ્યા છે. હું આ લેટર સાથે મારા મોબાઇલના સ્ક્રીન-શૉટના કેટલાક ફોટો મોકલું છું. જો ગુનેગારને પકડીને સજા કરવામાં આવે તો હું તમારો આભારી રહીશ.’
અમિતાભ તેમના ચાહકો સાથે સોશ્યલ નેટવર્ક દ્વારા સતત જોડાયેલા રહે છે અને તેમને શાહરુખ ખાન, દિલીપકુમાર અને હેમા માલિની જેવી હસ્તીઓ સહિત એક કરોડ સાઠ લાખ લોકો ફૉલો કરે છે. અમિતાભે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે ‘મારું ટ્વિટર હૅક થઈ ગયું હતું. મારું અકાઉન્ટ સેક્સસાઇટને ફૉલો કરી રહ્યું છે એવું દર્શાવવામાં આવી રહ્યું છે. જેણે પણ આ કર્યું છે તેમને કહીશ કે મને આની જરૂર નથી એથી બીજી વ્યક્તિ પર પ્રયત્ન કરે.’
એક ટીવી-શો માટે રણવીરે ના પાડતાં બિગ બીને પસંદ કરાયા
બ્રિટિશ ટીવી-શો ‘ટુનાઇટ્સ ધ નાઇટ’ના ભારતીય અડૉપ્શન માટે ટીવી-પ્રોડ્યુસર રણવીર સિંહને પસંદ કરવા માગતા હતા, પરંતુ રણવીરે એ માટે તૈયારી ન બતાવતાં એ શો માટે અમિતાભ બચ્ચનને પસંદ કરવામાં આવ્યા છે. આ શોના મેકરોએ રણવીરને અવૉર્ડ-શો હોસ્ટ કરતો જોયો હતો એથી તેઓ આ શો માટે રણવીરને પસંદ કરવા માગતા હતા. રણવીરને એ માટે ટીવી-શોના પ્રોડ્યુસરે ઘણી મોટી રકમ આપવાની ઑફર કરી હતી, પરંતુ તે ‘બાજીરાવ મસ્તાની’ પર ધ્યાન આપી રહ્યો હોવાથી અન્ય તમામ ઑફર ઠુકરાવી રહ્યો છે. આ શોમાં એક સામાન્ય માણસને એક દિવસ તેની ફૅન્ટસી મુજબ જીવન જીવવાની તક આપવામાં આવે છે. એ શો માટે રણવીરે પહેલાં તૈયારી બતાવી હતી, પરંતુ પછી તારીખો ન હોવાથી તેણે ના પાડી હતી. ગયા વર્ષે ‘ઇન્ડિયા પૂછેગા સબસે શાણા કૌન?’ શો માટે પણ રણવીરને ઑફર કરવામાં આવી હતી, પરંતુ તેણે ના પાડતાં એ શો માટે શાહરુખ ખાનને પસંદ કરવામાં આવ્યો હતો.