18 February, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
૨૦૧૬માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સનમ તેરી કસમ’ રીરિલીઝ થતાં સિનેમાઘરોમાં દર્શકોની ભીડ જોવા મળી હતી. યુવા વર્ગ અને રોમૅન્ટિક ફિલ્મોના ચાહકોને આ ફિલ્મ ખૂબ ગમી રહી છે અને એને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર અનેક વિડિયોમાં દર્શકો થિયેટરમાં ફિલ્મનાં ગીતો પર ઝૂમતા અને ભાવુક દૃશ્યોમાં ભાવુક થતા જોવા મળે છે. આ ફિલ્મની હર્ષવર્ધન રાણે અને માવરા હોકેનની જોડી દર્શકોના દિલને સ્પર્શી ગઈ છે.
‘સનમ તેરી કસમ’ને અગાઉ જૉન ઍબ્રાહમ, અર્જુન રામપાલ અને અનિલ કપૂરનો સપોર્ટ મળ્યો હતો. હવે અમિતાભ બચ્ચને પણ આ ફિલ્મને ટેકો આપ્યો છે. હાલમાં બિગ બીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શૅર કર્યું છે. તેમણે કૅપ્શનમાં લખ્યું છે કે ‘આ રીરિલીઝ માટે સૌને શુભકામનાઓ.’
આ પોસ્ટ પછી હર્ષવર્ધન રાણેએ કમેન્ટ બૉક્સમાં લખ્યું, ‘ભગવાને નોટિસ કર્યું.’ આ સાથે જ લાલ હાર્ટ ઇમોજી પણ મૂક્યું. બિગ બીની આ પોસ્ટ ઝડપથી સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી.