26 January, 2023 06:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચનને સાઉદી અરેબિયામાં લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજવામાં આવ્યા છે. એ દરમ્યાન તેમણે જણાવ્યું કે આ અવૉર્ડ આપીને મારા દેશનું સન્માન કરવામાં આવ્યું છે. ઘણાં વર્ષોથી અમિતાભ બચ્ચન ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. સાથે જ રિયલિટી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’થી તેમણે અનેક લોકોને કરોડપતિ બનાવ્યા છે. તેમની છેલ્લી ફિલ્મ ‘ઊંચાઈ’ હતી. તેઓ આગામી ફિલ્મ ‘K પ્રોજેક્ટ’માં પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે દેખાવાના છે. ભારતીય ફિલ્મોમાં આપેલા યોગદાન બદલ તેમને સાઉદી અરેબિયામાં આયોજિત જૉય અવૉર્ડ્સ દરમ્યાન લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ દરમ્યાન પોતાની ખુશી વ્યક્ત કરતાં અમિતાભ બચ્ચને કહ્યું કે ‘તમે આપેલા પ્રેમ, કાળજી અને સન્માન બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું. મારું માનવું છે કે સિનેમા મનોરંજનનું માધ્યમ છે અને આ માધ્યમ દ્વારા લોકોને એક ઠેકાણે લાવી શકાય અને સમાજને એક તાંતણે બાંધી શકાય છે. આપણે બધા વિશ્વના અનેક જગ્યાએથી આવીએ છીએ. આપણે એક જ જોક પર હસીએ છીએ અને એક જ વસ્તુ પર રડીએ પણ છીએ. આપણે બધા એક પ્લૅટફૉર્મ પર સાથે આવીએ છીએ. મારા પિતા મહાન કવિ તેમના અંતિમ દિવસોમાં દરરોજ સાંજે ફિલ્મો જોતા હતા અને ક્યારેક તો એક જ ફિલ્મ વારંવાર જોતા હતા. હું તેમને પૂછતો કે સિનેમામાં તમને શું ઇન્ટરેસ્ટિંગ લાગે છે. ત્યારે તેમનો જવાબ હતો, ‘ત્રણ કલાકમાં મને પોએટિક જસ્ટિસ મળે છે. તને કે મને આખા આ જીવનમાં કે પછી અન્ય ઘણા જન્મોમાં પણ પોએટિક જસ્ટિસ નહીં મળે.’ સિનેમામાં આ તાકાત છે. મારા દેશની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો હું નાનકડો ભાગ છું. તમે આજે મને સન્માનિત કરીને મારા દેશની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને સન્માનિત કરી છે. મારા દેશને માન આપ્યું છે.’