‘ગદર 2’ના પ્રોડક્શન હાઉસે ટીમને પૈસા ન ચૂકવતાં ઝી સ્ટુડિયોઝે કરી ચુકવણી : અમીષા પટેલ

03 July, 2023 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ૨૦૦૧માં આવેલી ‘ગદર : એક પ્રેમ કથા’ની સીક્વલ છે.

અમીષા પટેલ

અમીષા પટેલે ‘ગદર 2’ના પ્રોડક્શન હાઉસ અનિલ શર્મા પ્રોડક્શન્સ પર આરોપ લગાવતાં જણાવ્યું કે તેમણે ટીમને પૈસા ન ચૂકવતાં ઝી સ્ટુડિયોઝે લોકોને સૅલેરી આપી હતી. આ ફિલ્મમાં તેની સાથે સની દેઓલ પણ છે. આ ફિલ્મ આ વર્ષે ૧૧ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મને અનિલ શર્માએ ડિરેક્ટ અને ઝી સ્ટુડિયોઝ સાથે મળીને પ્રોડ્યુસ પણ કરી છે. આ ફિલ્મ ૨૦૦૧માં આવેલી ‘ગદર : એક પ્રેમ કથા’ની સીક્વલ છે. હવે પ્રોડક્શન હાઉસના વર્તનને અમીષાએ ઉઘાડું પાડ્યું છે. એ વિશે ટ્વિટર પર અમીષાએ ટ્વીટ કર્યું કે ‘એવા સવાલો કરવામાં આવે છે કે અનિલ શર્મા પ્રોડક્શન્સે અનેક ટેક્નિશ્યન્સ, મેક-અપ આર્ટિસ્ટ્સ, કૉસ્ચ્યુમ ડિઝાઇનર્સ અને અન્ય લોકોને તેમનું મહેનતાણું આપ્યું નથી. હા, આ વાત સાચી છે. જોકે ઝી સ્ટુડિયોઝ જેવી પ્રોફેશનલ કંપનીએ આગળ આવીને એ વાતની ખાતરી કરી કે દરેકને તેમની મહેનતના પૈસા મળે. અમારા અકૉમોડેશનથી માંડીને ટ્રાન્સ્પોર્ટ, ફાઇનલ ફૂડ બિલ્સ બધાને પૈસા ચૂકવવાના બાકી હતા. કેટલાક કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સને કાર પણ આપવામાં નહોતી આવતી. એ વખતે પણ ઝી સ્ટુડિયોઝે આવીને આ મુદ્દાને ઉકેલ્યો હતો. આ ફિલ્મ સાથે જોડાયેલા લોકો સારી રીતે જાણતા હતા કે અનિલ શર્મા પ્રોડક્શન્સ અનેક વખત નિષ્ફળ રહ્યું છે, પરંતુ હંમેશાં ઝી સ્ટુડિયોઝે મુદ્દાઓનો ઉકેલ કાઢ્યો છે. હું શારીક પટેલ, નીરજ જોશી, કબીર ઘોષ અને નિશ્ચિતનો ખૂબ આભાર માનું છું. આ ટીમ અદ્ભુત છે.’

ameesha patel bollywood news bollywood gossips bollywood entertainment news