12 January, 2025 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન આ દિવસોમાં તેની ફિલ્મ ‘પુષ્પા 2ઃ ધ રૂલ’ને મળેલી જબરદસ્ત સફળતાને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ઘણા નવા રેકૉર્ડ કર્યા છે એથી વિવાદોથી ઘેરાયેલો હોવા છતાં અલ્લુ અર્જુન હાલમાં સેલિબ્રેશનના મૂડમાં છે. ૧૦ જાન્યુઆરીએ અલ્લુ અર્જુનના પપ્પા અને સાઉથના જાણીતા પ્રોડ્યુસર અલ્લુ અરવિંદનો જન્મદિવસ હતો અને અલ્લુ અર્જુને પરિવાર સાથે આ દિવસની જબરદસ્ત ઉજવણી કરી હતી.
અલ્લુ અર્જુને પપ્પા અલ્લુ અરવિંદના જન્મદિનના બે ફોટો શૅર કર્યા છે. પ્રથમ ફોટોમાં અરવિંદ આખા પરિવાર સાથે કેક કાપીને જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે તો બીજા ફોટોમાં એક કેક દેખાય છે જેને લીંબુ અને આગની ડિઝાઇનથી સજાવવામાં આવી છે. આ કેક પર લખવામાં આવ્યું છે ‘પુષ્પા કા બાપ.’
હાલમાં અલ્લુ અર્જુન પ્રોફેશનલી પોતાની કરીઅરના ખૂબ સારા તબક્કામાં છે. જોકે ફિલ્મના સ્ક્રીનિંગ દરમ્યાન થયેલા એક મહિલાના મોતને કારણે તે વિવાદોમાં અટવાયો હતો અને એક દિવસ તેણે જેલમાં પણ જવું પડ્યું હતું.