14 December, 2024 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધરપકડ પછી અલ્લુ અર્જુનને મેડિકલ ચેકઅપ માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાંથી નીકળતી વખતે ચાહકોનું અભિવાદન કર્યું હતું.
દેશ અને દુનિયામાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા 2 : ધ રૂલ’ ફિલ્મ ધૂમ મચાવીને બૉક્સ-ઑફિસના રેકૉર્ડ તોડી રહી છે ત્યારે ગઈ કાલે સવારે તેલંગણ પોલીસે આ ફિલ્મના હીરો અને તેલુગુ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ કરી હોવાના સમાચાર આવતાં બધા ચોંકી ગયા હતા.
અભિનેતા અલ્લુ અર્જુન ગઈ કાલે સવારે પોતાના બેડરૂમમાં હતો ત્યારે પોલીસ તેના ઘરે પહોંચી ગઈ હતી. પોલીસ ઘરે પહોંચી ત્યારે અલ્લુ અર્જુન પત્ની સ્નેહા રેડ્ડી, ભાઈ શિરીષ અને પિતા અરવિંદ સાથે નાસ્તો કરતો હતો. અલ્લુ અર્જુને કૉફી પૂરી કરી એ પછી તેલંગણ પોલીસે તેની ધરપકડ કરી હતી. ૪ ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2 : ધ રૂલ’ ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું ત્યારે ભાગદોડ મચી હતી અને એમાં ૩૫ વર્ષની રેવતી નામની મહિલાનું મૃત્યુ થયું હતું. આ મૃત્યુ માટે અલ્લુ અર્જુન જવાબદાર હોવાની ફરિયાદ મહિલાના પતિએ પોલીસમાં નોંધાવી હતી એને પગલે તેલંગણ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી.
ધરપકડ કર્યા બાદ અભિનેતાને પોલીસે કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડી મેળવી હતી. જોકે અલ્લુ અર્જુને હાઈ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી એટલે ગઈ કાલે સાંજે કોર્ટે તેને ચાર અઠવાડિયાંના જામીન મંજૂર કર્યા હતા એટલે તે કસ્ટડીમાંથી બહાર આવ્યો હતો.
પોલીસ બેડરૂમમાં પહોંચી ગઈ
ઘરેથી પોલીસ સાથે જતાં પહેલાં અલ્લુ અર્જુને પત્ની સ્નેહાને ગાલ પર પપ્પી આપી હતી
તેલંગણ પોલીસ સવારે ઘરે આવ્યા બાદ અલ્લુ અર્જુનના બેડરૂમમાં પહોંચી ગઈ હતી એની સામે અલ્લુ અર્જુને નારાજગી વ્યક્ત કરી હતી. અલ્લુ અર્જુને પોલીસને કહ્યું કે ‘મેં તમને કહ્યું હતું કે હું કપડાં બદલવા બેડરૂમમાં જાઉં છું, પણ તમે મારી પાછળ એક પોલીસને મારા બેડરૂમમાં મોકલ્યો. આ વધુ પડતું છે. તમારું આવું વર્તન બરાબર નથી.’
સેશન્સ કોર્ટે આપી કસ્ટડી
તેલંગણ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કર્યા બાદ સેશન્સ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં અભિનેતાના વકીલે કસ્ટડી ન આપવા માટેની દલીલ કરી હતી, પરંતુ કોર્ટે અભિનેતાને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
હાઈ કોર્ટે રાહત આપી
સેશન્સ કોર્ટના ચુકાદાને અલ્લુ અર્જુને તેલંગણની હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. પોલીસ અને ફરિયાદ પક્ષની દલીલ દરમ્યાન હાઈ કોર્ટના જસ્ટિસે સવાલ કર્યો હતો કે ‘આરોપી એક અભિનેતા છે એટલે શું તેમને ઘટના માટે જવાબદાર ગણાવી શકાય? કલમ ૧૦૫ અને ૧૦૮ની જોગવાઈમાં પ્રથમ દૃષ્ટિએ આ યોગ્ય નથી લાગતું. એક નાગરિક તરીકે અભિનેતાને પણ સ્વતંત્રતાનો અધિકાર છે. શું તે મહિલાના મૃત્યુની ઘટના સાથે સીધી રીતે જવાબદાર છે?’ દલીલ પૂરી થયા બાદ કોર્ટે અલ્લુ અર્જુનને ચાર અઠવાડિયાંના ઇન્ટરિમ જામીન આપ્યા હતા.
શું છે મામલો?
૪ ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2 : ધ રૂલ’ના સ્ક્રીનિંગ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો થિયેટરની બહાર ભેગા થયા હતા. અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી, જેમાં રેવતી નામની ૩૫ વર્ષની મહિલા અને તેનો પુત્ર પડી જતાં ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. એ પછી સારવાર દરમ્યાન રેવતીનું મૃત્યુ થયું હતું, જ્યારે તેનો પુત્ર સારવાર હેઠળ છે.
મૃત્યુ પામેલી મહિલાનો પતિ ફરિયાદ પાછી લેવા તૈયાર
અલ્લુ અર્જુનની તેલંગણ પોલીસે ધરપકડ કર્યા બાદ ભાગદોડમાં મૃત્યુ પામેલી રેવતીના પતિ ભાસ્કરે મીડિયા સામે આવીને કહ્યું હતું કે ‘મારી પત્નીનું મૃત્યુ થયું હતું એ ઘટના સાથે અભિનેતાને કોઈ સંબંધ નથી. મારો પુત્ર ફિલ્મ જોવા માગતો હતો, એથી હું પરિવારને લઈને સંધ્યા થિયેટર ગયો હતો. અલ્લુ અર્જુન સંધ્યા થિયેટરમાં હતો એટલે એમાં તેનો કોઈ વાંક નથી. આથી હું મારી ફરિયાદ પાછી ખેંચી લેવા તૈયાર છું.’
રાત જેલમાં વિતાવવી પડી
તેલગંણની હાઈ કોર્ટે અલ્લુ અર્જુનને ચાર અઠવાડિયાંના ઇન્ટરિમ જામીન ગઈ કાલે બપોર બાદ આપ્યા હતા, પરંતુ એ આદેશની કૉપી ઑનલાઇન અપલોડ નહોતી થઈ એટલે અભિનેતાએ જેલમાં જ રાત વિતાવવી પડી હતી. ચંચલગુડા જેલ પ્રશાસને અલ્લુ અર્જુન માટે ક્લાસ વન બૅરૅક તૈયાર કરી હતી. અભિનેતા ગઈ કાલે સાંજ સુધી જેલની બહાર ન આવતાં તેના ફૅન્સ જેલની બહાર ભેગા થયા હતા અને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.