13 February, 2024 06:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ , શબાના આજમી
આલિયા ભટ્ટનું કહેવું છે કે તે તેના રૉકી એટલે કે રણવીર સિંહ સાથે અવૉર્ડને શૅર કરશે. આલિયાને ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો હતો. આ ફિલ્મને કરણ જોહરે ડિરેક્ટ કરી હતી. ૬૯મા ફિલ્મફેર અવૉર્ડ્સનું આયોજન ગુજરાતની ગિફ્ટ સિટીમાં કરવામાં આવ્યું હતું. આ અવૉર્ડ્સ શોને આ રવિવારે ઝીટીવી પર રાતે નવ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ અવૉર્ડને સ્વીકારતાં આલિયાએ કહ્યું કે ‘આ અવૉર્ડ અને મારો પર્ફોર્મન્સ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના મારા સાથી રૉકીને પણ જાય છે. રણવીર સિંહ આ અવૉર્ડ તું જોઈ રહ્યો હોય તો હું તને કહેવા માગું છું કે આ અવૉર્ડ હું તને છ મહિના માટે રાખવા આપીશ. એક વર્ષમાં છ મહિના તું રાખીશ અને છ મહિના હું. મારો અદ્ભુત કો-સ્ટાર તું ન હોત તો હું આજે આ જગ્યાએ ઊભી ન રહી હોત. આથી રણવીર હું તારો આભાર માનું છું. ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’એક લવ સ્ટોરી છે, પરંતુ ફિલ્મ સાથેની મારી લવ સ્ટોરી કરણ જોહરના કારણે શરૂ થઈ હતી. હું આ માટે કરણનો આભાર માનું છું. મને ખબર છે કે હું છેલ્લાં ઘણાં વર્ષથી આ સ્ટેજ પર તારો ઘણી વાર આભાર માનતી આવી છું અને એ હું માનતી રહીશ. હું સ્ટેજ પર હોઉં કે ન હોઉં, પરંતુ તેં મારા પર હંમેશાં વિશ્વાસ રાખ્યો છે. તેં મને ઘણો પ્રેમ આપ્યો છે અને એ માટે હું તારી આભારી છું. તેરી રાની બનાવવા માટે પણ તારો આભાર.’