06 April, 2021 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
અક્ષયકુમારને કોરોના થયો હોવાથી તે સેફ્ટી ખાતર તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના થયો હોવાની માહિતી તેણે ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. તે તમામ પ્રકારની સાવધાની રાખતો હતો, આમ છતાં તેને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. હવે તે વધુ ટ્રીટમેન્ટ માટે હૉસ્પિટલમાં ઍડ્મિટ થયો છે. એ વિશેની માહિતી ઇન્સ્ટાગ્રામ પર આપતાં અક્ષયકુમારે લખ્યું હતું કે ‘સૌએ મારા માટે કરેલી પ્રાર્થના અને શુભેચ્છાઓ માટે આભાર. તમારી પ્રાર્થનાઓ કામ કરી રહી છે, હું સ્વસ્થ અનુભવી રહ્યો છું. જોકે સાવચેતીના ભાગરૂપે મેડિકલ સલાહ મુજબ હું હૉસ્પિટલમાં દાખલ થયો છું. આશા રાખું છું કે હું જલદી જ ઘરે પાછો આવી જઈશ. કાળજી રાખજો.’
અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘રામ સેતુ’ના સેટ પર એકસાથે ૪૫ લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. આ ફિલ્મમાં નુશરત ભરૂચા અને જૅકલિન ફર્નાન્ડિસ પણ લીડ રોલમાં જોવા મળશે. તાજેતરમાં જ અક્ષયકુમારને પણ કોરોના થયો છે. મુંબઈમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું. એથી ક્રૂ મેમ્બર્સની ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાંથી ૪૫ લોકોને એકસાથે કોરોનાનું નિદાન થયું છે. એ વિશે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝના પ્રેસિડન્ટ બી. એન. તિવારીએ કહ્યું હતું કે ‘આ ખરેખર દુર્ભાગ્યની વાત છે કે એકસાથે આટલા લોકોની કોરોનાની ટેસ્ટ પૉઝિટિવ આવી છે. થોડા જુનિયર આર્ટિસ્ટ્સ અને અક્ષયકુમારની ટીમના કેટલાક લોકોને કોરોના થયો છે.
એ બધા ક્વૉરન્ટીન છે અને તેમને ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. હાલમાં તો શૂટિંગ પણ અટકાવવામાં આવ્યું છે.’