17 January, 2023 04:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થતા વેબ-શો અને વેબ-ફિલ્મની શરૂઆતમાં હવે ઍન્ટિ-ટબૅકો ઍડ દેખાડવી ફરજિયાત બનવાની છે. ૨૦૧૮માં આવેલી અક્ષયકુમારની ઍન્ટિ-સ્મોકિંગ ઍડ હજી પણ ફિલ્મોની શરૂઆતમાં દેખાડવામાં આવે છે. દર વર્ષે ઍન્ટિ-સ્મોકિંગ ઍડ બદલાયા કરે છે, પરંતુ આ ઍડ હજી સુધી બદલાઈ નથી. આ ઍડમાં અક્ષયકુમાર નંદુ નામની એક વ્યક્તિને તેની વાઇફની ભલાઈ માટે સ્મોકિંગ છોડવાની સલાહ આપે છે. આ ઍડ લોકોએ એટલી વખત જોઈ છે કે એના ડાયલૉગ્સ તેમને યાદ રહી ગયા છે. હાલમાં જાણવા મળ્યું છે કે હેલ્થ મિનિસ્ટ્રીએ ઇરન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટ્રીને સૂચના આપી છે કે તમામ ડિજિટલ પ્લૅટફૉર્મ જેવાં કે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ, ઍમેઝૉન પ્રાઇમ વિડિયો અને ડિઝની+હૉટસ્ટાર પર નોટિફિકેશન મોકલવામાં આવે કે તેમના શો અને કન્ટેન્ટની શરૂઆતમાં આ ઍન્ટિ-સ્મોકિંગ ઍડ દેખાડવામાં આવે. આ દિશામાં હાલમાં ચર્ચા ચાલી રહી છે. અક્ષયકુમારની આ ઍડ હવે ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવે છે. ત્યાર બાદ ફિલ્મનો સેકન્ડ હાફ શરૂ થાય એ અગાઉ સ્મોકિંગથી થનારા નુકસાનને દેખાડતા બે વિડિયો દેખાડવામાં આવી રહ્યા છે.