07 January, 2025 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોશિયલ મીડિયા પોસ્ટ
અક્ષય કુમારની બહેન અલકા ભાટિયાની દીકરી એટલે કે અક્ષય કુમારની ભાણી સિમર ભાટિયા શ્રીરામ રાઘવનની ‘ઇક્કીસ’ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે અને આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં અક્ષય કુમારે સિમરનાં વખાણ કરવા માટે સોશ્યલ મીડિયાનો સહારો લીધો હતો.
અક્ષય કુમારે એક અખબારનું કટઆઉટ શૅર કર્યું હતું જેમાં સિમર ભાટિયા સહિતના આગામી નવોદિત કલાકારો પર એક લેખ પ્રકાશિત થયો છે. અક્ષય કુમારની પોસ્ટ સાથે એક ખાસ નોંધ હતી જેમાં લખ્યું હતું, ‘મને યાદ છે જ્યારે ન્યુઝપેપરના કવર પર મારો ફોટો પહેલી વાર જોયો હતો. ત્યારે મને લાગ્યું કે આ જ પરમ સુખ છે, પણ આજે મને ખબર છે કે અહીં તમારા બાળકનો ફોટો જોઈને જે ખુશી થાય છે એ સર્વોપરી છે. કાશ આજે મારી મમ્મી અહીં હોત, તેણે કહ્યું હોત, ‘સિમર પુત્તર તૂ ત કમાલ હૈ...’ મારી બેબીને ઘણી શુભેચ્છા, આ આકાશ હવે તારું છે.’
શ્રીરામ રાઘવન દિગ્દર્શિત આ ફિલ્મમાં સિમર ભાટિયા સાથે અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા અને સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્ર જોવા મળશે. ‘ઇક્કીસ’ વૉર-ડ્રામા છે જે સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલના જીવનની પ્રેરણાદાયી વાત પર આધારિત છે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન તેમની બહાદુરી માટે તેમને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું.