13 September, 2023 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ `જવાન`
અક્ષયકુમારે હાલમાં જ સોશ્યલ મીડિયા પર શાહરુખ ખાનની ‘જવાન’નાં વખાણ કર્યાં છે. ‘જવાન’ બૉક્સ-ઑફિસ પર ખૂબ જ ધમાલ કરી રહી છે. આ ફિલ્મ દ્વારા શાહરુખ તેની ‘પઠાન’ના દરેક રેકૉર્ડ તોડી રહ્યો છે. ફિલ્મને લોકો જ નહીં, પરંતુ ક્રિટિક્સ દ્વારા પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ વિશે અક્ષયકુમારે એક્સ પર પોસ્ટ કર્યું હતું કે ‘ખૂબ જ મૅસિવ સક્સેસ છે. મારા જવાન પઠાન શાહરુખ ખાનને ઘણી શુભેચ્છા. આપણી ફિલ્મો ફરી સફળ થઈ ગઈ છે અને એ પણ જોરદાર રીતે.’ અક્ષયકુમારને જવાબ આપતાં શાહરુખ ખાને પોસ્ટ કર્યું હતું કે ‘આપને દુઆ માગી ના હમ સબ કે લિએ તો કૈસે ખાલી જાએગી. ઑલ ધ બેસ્ટ અને ખિલાડી તું એકદમ હેલ્ધી રહે. તને ખૂબ જ પ્રેમ.’
૩૦૦ કરોડ નૉટઆઉટ
શાહરુખ ખાનની ‘જવાન’એ બૉક્સ-ઑફિસ પર ૩૦૦ કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મ ગુરુવારે રિલીઝ થઈ હતી અને છ દિવસમાં એણે ૩૦૦ કરોડનો આંકડો ક્રૉસ કરી લીધો છે. આ ફિલ્મે ગુરુવારે ૬૫.૫૦ કરોડ, શુક્રવારે ૪૬.૨૩ કરોડ, શનિવારે ૬૮.૭૨ કરોડ, રવિવારે ૭૧.૬૩ કરોડ અને સોમવારે ૩૦.૫૦ કરોડની સાથે ટોટલ ૨૮૨.૫૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. સોમવારે વર્કિંગ ડે હોવા છતાં ફિલ્મે ખૂબ જ સારો બિઝનેસ કર્યો હતો. મંગળવારના બિઝનેસ સાથે આ ફિલ્મે ૩૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. આ ફિલ્મના તામિલ અને તેલુગુ વર્ઝને સોમવારે ૨.૪૨ કરોડના બિઝનેસ સાથે ટોટલ પાંચ દિવસમાં ૩૬.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ બહુ જલદી ૫૦૦ કરોડની ક્લબમાં પણ પહોંચી જશે એ નક્કી છે. ‘જવાન’એ ઘણા રેકૉર્ડ બનાવ્યા છે અને એ તોડ્યા પણ છે. આ ફિલ્મ હવે એક અઠવાડિયામાં કેટલો બિઝનેસ કરે છે એના પર સૌની નજર છે.