20 February, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહાશિવરાત્રિના પાવન પર્વ પહેલાં અક્ષય કુમારે ભગવાન શિવ પર તેનું ગીત ‘મહાકાલ ચલો’ રિલીઝ કર્યું
૨૬ ફેબ્રુઆરીએ આવતી મહાશિવરાત્રિના પાવન પર્વ પહેલાં અક્ષય કુમારે ભગવાન શિવ પર તેનું ગીત ‘મહાકાલ ચલો’ રિલીઝ કર્યું છે. આ ગીત વિક્રમ મોન્ટ્રોઝ દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યું છે અને ગીતના શબ્દો શેખર અસ્તિત્વ દ્વારા લખવામાં આવ્યા છે. આ ગીત અક્ષય કુમારે સિંગર પલાશ સેન સાથે મળીને ગાયું છે અને ગીતમાં બન્નેને દર્શાવવામાં આવ્યા છે. આ સૉન્ગની કોરિયોગ્રાફી ગણેશ આચાર્યએ કરી છે. ‘મહાકાલ ચલો’નો મ્યુઝિક-વિડિયો ૩ મિનિટ ૧૪ સેકન્ડનો છે. અક્ષયે આ ગીત તેના ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ શૅર કર્યું છે.
અક્ષય છે મહાકાલનો ભક્ત
મહાશિવરાત્રિ વખતે ‘મહાકાલ ચલો’ રિલીઝ કરનાર અક્ષય કુમાર મહાકાલનો પરમ ભક્ત છે. ૨૦૨૩માં અક્ષય કુમારે પોતાના જન્મદિવસ નિમિત્તે મહાકાલનાં દર્શન કર્યાં હતાં અને એ સમયે તેણે અને આરવે પરોઢિયે ચારથી સાડાપાંચ વાગ્યા દરમ્યાન થતી ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. મંદિરના નિયમ મુજબ ભસ્મ આરતી માટે ટ્રેડિશનલ કપડાં પહેરવાં ફરજિયાત હોય છે એટલે અક્ષય કુમારે ધોતી પહેરીને આરતીનો લાભ લીધો હતો અને ભોળાનાથની ભક્તિમાં લીન થઈ ગયો હતો.