એન્ટરટેઇનમેન્ટની સાથે એજ્યુકેશન

12 August, 2023 12:49 PM IST  |  Mumbai | Harsh Desai

ભગવાન શિવથી લઈને દરેક વાતને ખૂબ ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે, કારણ કે સેક્સ એજ્યુકેશન પર ફિલ્મ હોવા છતાં એમાં કોઈ અશ્લીલતા નથી અને ફિલ્મને જે હેતુથી બનાવવામાં આવી હતી એમાં તેઓ સફળ રહ્યા છે : અક્ષયકુમાર અને પંકજ ત્રિપાઠીના પર્ફોર્મન્સને જોવો એક...

ઓહ માય ગોડ 2

ઓહ માય ગૉડ 2 

કાસ્ટ : અક્ષયકુમાર, પંકજ કપૂર, યામી ગૌતમ
ડિરેક્ટર : અમિત રાય
   

બૉક્સ-ઑફિસ ગઈ કાલે પર બે સીક્વલ રિલીઝ થઈ છે અને એ હતી ‘ગદર 2’ અને ‘ઓહ માય ગૉડ 2.’ ‘ઓહ માય ગૉડ 2’માં અક્ષયકુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમે કામ કર્યું, જેને અમિત રાયે ડિરેક્ટ કરવાની સાથે સ્ક્રિપ્ટ પણ લખી છે.

સ્ટોરી ટાઇમ
પંકજ ત્રિપાઠીએ કાંતિ શરન મુદગલનું પાત્ર ભજવ્યું છે. તે શિવભક્ત છે અને તેની પ્રસાદ અને ફૂલની દુકાન છે. એક દિવસ તેના પર પત્નીનો ફોન આવે છે કે દીકરાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે જ્યારે હૉસ્પિટલ જાય છે ત્યારે તેને ખબર પડે છે દીકરાને શું થયું છે. એના બીજા જ દિવસે તેના પર ફોન આવે છે કે તેના દીકરાને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી રહ્યો છે. તેના દીકરાનો એક વિડિયો વાઇરલ થાય છે જેમાં તે સ્કૂલમાં મૅસ્ટરબેશન કરતો દેખાય છે. તેના દીકરાનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. એટલું જ નહીં, તેની મમ્મી અને બહેનની હાલત પણ ખરાબ થઈ જાય છે. આથી કાંતિ અપમાનનો અને તેના દીકરા સાથે જે ખોટું થઈ રહ્યું છે એનો બદલો લેવા માટે સ્કૂલ પર અને દીકરાને ખોટી સલાહ આપનાર પર કેસ કરે છે. આ કેસ માટે તેને ભગવાન શંકરના ગણમાંથી એક (સેન્સરબોર્ડની કૃપાથી, નહીંતર ભગવાન શિવ સ્વયં કાંતિ માટે જમીન પર ઊતર્યા હતા, પરંતુ સેન્સરબોર્ડની કાતર સામે શિવજીએ પણ નમવું પડ્યું છે) તેની મદદે આવે છે. કાંતિ જ્યાં-જ્યાં અટવાય ત્યાં શિવદૂત તેની મદદે પહોંચી જાય છે અને ત્યાર બાદ કોર્ટરૂમ-ડ્રામા શરૂ થાય છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને ડિરેક્શન અમિત રાયનાં છે. તેણે સ્ક્રિપ્ટ એટલી સુંદર રીતે લખી છે કે તેનો જે મેસેજ કેહવાનો હેતુ હતો એ પૂરો થયો છે અને કોઈની લાગણી નથી દુભાઈ. સેન્સરબોર્ડ દ્વારા જે ખોટી હો-હા કરવામાં આવી હતી એવું ફિલ્મમાં કાંઈ નથી. અમિત રાયનું આ મિશન સક્સેસફુલ છે. જોકે તેણે ફિલ્મના ડિરેક્શનમાં પણ કોઈ રિસ્ક નથી લીધું. તેણે એને સિમ્પલ રીતે કહેવાની કોશિશ કરી છે, જે પહેલી ફિલ્મની યાદ અપાવે છે. તેણે દરેક પાત્ર અને દરેક વાતને ખૂબ ધ્યાનમાં રાખીને સ્ક્રિપ્ટ લખી છે. સેક્સ એજ્યુકેશન વિશે ચર્ચા જરૂર કરવામાં આવી છે, પરંતુ એક પણ વાત અશ્લીલ નથી લાગતી. ફિલ્મમાં એક ડાયલૉગ છે કે સત્ય હંમેશાં નગ્ન હોય છે અને સત્ય શિવને ગમે છે. આથી ફિલ્મમાં જે વાત કરવામાં આવી છે એ એકદમ સત્ય છે. કોઈ પણ વાતને ખોટી રીતે દેખાડવી કે જબરદસ્તીથી દેખાડવી એવું કાંઈ આમાં નથી. ફિલ્મમાં મોટા ભાગે શુદ્ધ હિન્દીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ ફિલ્મના ફેવરમાં કામ આવ્યું છે. શુદ્ધ હિન્દીને કારણે જે શબ્દો છે એ અપમાનજનક નથી લાગતા તેમ જ સનાતન ધર્મને લઈને જે વાત કહેવામાં આવી છે અને બ્રિટિશરોના એજ્યુકેશન ઍક્ટ વિશે પણ વાત કરવામાં આવી છે એને જોઈને આશ્ચર્ય જરૂર થશે. આ ફિલ્મમાં ડાયલૉગ-રાઇટરને શબ્દો સાથે રમવાની ખૂબ મજા આવી હશે એ વાત નક્કી. દરેક ડાયલૉગ ઑન-પૉઇન્ટ છે અને એમાં પાછા ડાયલૉગ ડિલિવરી કરનાર પણ ઍક્ટિંગમાં મહારત હોવાથી એક અલગ જ હ્યુમર પેદા થયું છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની પત્નીને યામી ગૌતમ દ્વારા એક સવાલ કરવામાં આવે છે એ દૃશ્ય ખૂબ ફની અને એટલું જ સંવેદનશીલ પણ છે. આ ફિલ્મમાં પણ આપણાં પુરાણો, વેદ અને ઉપનિષદો વગેરેને ખૂબ સારી રીતે ઉપયોગમાં લેવામાં આવ્યાં છે. ફિલ્મનો એક જ ઉદ્દેશ છે કે સ્વયંને ચરમસુખપ્રાપ્તિ આપવી ખોટી નથી. તે ક્યાં કરવું અને ક્યાં નહીં એ ચર્ચાનો વિષય હોઈ શકે છે. મૅસ્ટરબેશન હેલ્ધી છે અને એમાં કોઈ અશ્લીલતા નથી. છોકરીઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે, કયો ટચ ખરાબ અને કયો સારો એ સમજાવવું ખૂબ જરૂરી છે. છોકરી જ્યાં સુધી પોતાની રીતે એ શીખે ત્યાં સુધી બની શકે કે તેની સાથે ઘણું ખોટું થયું હોઈ શકે. માનસિક રીતે તેના પર કેટલી ખરાબ અસર પડે છે વગેરે આ ફિલ્મનો હેતુ છે અને એમાં તેઓ સફળ થયા છે.

પર્ફોર્મન્સ
ફિલ્મમાં અક્ષયકુમારનું પાત્ર ખૂબ ઓછું છે, પરંતુ આ એક માસ્ટર સ્ટ્રોક છે. પહેલા પાર્ટમાં અક્ષયે શ્રીકૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું, જે કાનજીભાઈ સાથે ઘણો સમય પસાર કરે છે. જોકે અહીં એવું નથી અને એ જ મહત્ત્વનું છે. ભગવાન શંકરની જ્યારે વાત આવે ત્યારે તેઓ ટુ-ધ-પૉઇન્ટ વાત કરનાર અને જ્યારે કોઈના બસની વાત ન હોય ત્યારે જ તેઓ આવે છે. તેમનું કામ પૂરું કરીને તેઓ ફરી પોતાનામાં મસ્ત બની જાય છે. પહેલા પાર્ટમાં કાનજીને નાસ્તિક બતાવાયો હતો, પરંતુ અહીં કાંતિને આસ્તિક દેખાડવામાં આવ્યો છે. કહેવાય છે કે ભગવાન શિવને મળવા માટે કે તેમને પ્રસન્ન કરવા માટે બ્રહ્મા અને વિષ્ણુએ પણ તેમની સ્તૃતિ કરી હતી. એટલે અહીં કાંતિને આસ્તિક દેખાડવો પણ માસ્ટર સ્ટ્રોક છે. અક્ષય જેટલા પણ દૃશ્યમાં આવ્યો છે એ જોવાની મજા પડે છે. તેની હાજરી અને તેના જવાબ, તેનું જ્ઞાન, તેનો આદેશ, તેનો ગુસ્સો દરેક વસ્તુ ભગવાન શિવ માટે જે લખવામાં આવ્યું છે એને મળતું આવે છે. આથી અક્ષયને જોવાની મજા આવે છે. તેનો સ્ક્રીન-ટાઇમ ઓછો છે, પરંતુ ભગવાન શિવને પણ સોલ્યુશન લાવવા માટે ખૂબ ઓછો સમય લાગે છેને. પંકજ ત્રિપાઠી આ પાત્ર માટે બેસ્ટ છે. આ પાત્ર માટે સૌથી શુદ્ધ હિન્દી બોલનાર વ્યક્તિની જરૂર હતી અને એવી વ્યક્તિ જેની ડાયલૉગ ડિલિવરીથી પણ રમૂજ પેદા થાય અને એમાં પંકજ ત્રિપાઠીથી સારો ઍક્ટર કોઈ હોઈ જ ન શકે. યામી ગૌતમે સારું કામ કર્યું છે, પરંતુ તેના પાત્રને સારી રીતે ડિફેન્સ કરતું દેખાડવામાં નથી આવ્યું. ગોવિંદ નામદેવ અને અરુણ ગોવિલને વેડફી નાખવામાં આવ્યા છે. પવન મલ્હોત્રાનું જજનું પાત્ર પણ ફની છે અને તેમને જોવાની પણ મજા આવે છે.

મ્યુઝિક
આ ફિલ્મનું મ્યુઝિક વિક્રમ મોન્ટ્રોસ, ડીજેસ્ટ્રિન્ગ્સ, પ્રણય અને સંદેશ શાંડિલ્ય દ્વારા આપવામાં આવ્યું છે. ફિલ્મનાં ગીત એટલાં ખાસ નથી. અક્ષયકુમારની જ્યારે પણ એન્ટ્રી થાય છે ત્યારનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ખાસ નથી. જોકે આ એક એવી ફિલ્મ છે જેનું મ્યુઝિક કેવું છે એ જરા પણ મૅટર નથી કરતું, કારણ કે સ્ટોરી અને પર્ફોર્મન્સ જવાબ આપે છે.

આખરી સલામ
આ ફિલ્મને જ્યારથી ઍડલ્ટ સર્ટિફિકેટ મળ્યું ત્યારથી ઘણા લોકોએ એ વિશે દુઃખ વ્યક્ત કર્યું છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા તો એ પણ કહેવામાં આવ્યું છે કે એના કરતાં તો સેન્સરબોર્ડ હોવું જ ન જોઈએ. આ ફિલ્મ જોયા બાદ ખરેખર એવું થાય છે કે સેન્સરબોર્ડ ભાંગનો નશો કરીને ફિલ્મ જોવા માટે બેઠું હતું?

 ફાલતુ,   ઠીક-ઠીક, 
 ટાઇમ પાસ, 
 પૈસા વસૂલ, 
  બહુ જ ફાઇન

film review bollywood news akshay kumar pankaj tripathi harsh desai