05 November, 2022 08:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દૃશ્યમ 2’માં પોલીસનું કૅરૅક્ટર લખતી વખતે અક્ષય ખન્ના જ અમારા દિમાગમાં હતો
‘દૃશ્યમ 2’ના ડિરેક્ટર અભિષેક પાઠકે જણાવ્યું છે કે આ ફિલ્મમાં પોલીસનું કૅરૅક્ટર લખતી વખતે અક્ષય ખન્ના જ સૌના દિમાગમાં હતો. ૧૮ નવેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં અજય દેવગન, તબુ, શ્રિયા સરન અને ઈશિતા દત્તા લીડ રોલમાં છે. ફિલ્મને ભૂષણ કુમાર, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક અને ક્રિષન કુમારે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ વિશે અભિષેક પાઠકે કહ્યું કે ‘અજય દેવગન અને તબુ ‘દૃશ્યમ 2’માં એકબીજાનો સામનો કરે છે. અમારે એ લેવલનો અથવા તો એનાથી આગળ પડતો ઍક્ટર જોઈતો હતો. કૅરૅક્ટર લખતી વખતે અમે એ જ વાતને ધ્યાનમાં રાખી હતી. અમે કદી પણ લખ્યા બાદ કલાકારો વિશે નથી વિચારતા. પહેલા દિવસથી જ અમે જ્યારે પોલીસનું પાત્ર લખવાની શરૂઆત કરી ત્યારથી અમારા દિમાગમાં અક્ષય ખન્ના, તેની ઇમેજ અને તેની પર્સનાલિટી હતી. એનાથી અમારું કામ સરળ બની ગયું. અમે જાણતા હતા કે અમને શું બનાવવું છે. અમારા માટે હંમેશાંથી જ તે અને તેનું કૅરૅક્ટર જ પહેલો પર્યાય હતો અને એની અમને ખુશી પણ છે.’