01 October, 2022 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજય દેવગનને મળ્યો બેસ્ટ ઍક્ટરનો નૅશનલ અવૉર્ડ
નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સની ઇવેન્ટમાં અજય દેવગનને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો છે. એ દરમ્યાન આશા પારેખને દાદાસાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સિનેમામાં આપેલા યોગદાન બદલ તેમને આ અવૉર્ડ આપવામાં આવ્યો હતો. અવૉર્ડ મેળવ્યા બાદ આશા પારેખે કહ્યું કે ‘મને આપવામાં આવેલા આ સન્માનને લઈને હું આભારી છું કે મારા ૮૦મા બર્થ-ડેના એક દિવસ અગાઉ મને આ અવૉર્ડ મળ્યો છે.’
‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ માટે અજય દેવગનને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો હતો. ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ને બેસ્ટ પૉપ્યુલર ફિલ્મ પ્રોવાઇડિંગ હોલસમ એન્ટરટેઇનમેન્ટનો અવૉર્ડ મળ્યો હતો. તો બીજી તરફ સૂરિયાને તામિલ ફિલ્મ ‘સુરારાઈ પોતરુ’ માટે બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો હતો. સાથે જ આ ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મનો પણ અવૉર્ડ આપવામાં આવ્યો હતો. ગીતકાર મનોજ મુન્તશીરને ‘સાઇના’ માટે બેસ્ટ લિરિક્સનો નૅશનલ અવૉર્ડ આપવામાં આવ્યો હતો. સાથે જ બેસ્ટ મ્યુઝિક ડિરેક્શનનો અવૉર્ડ વિશાલ ભારદ્વાજને મળ્યો છે. તેમને ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘1232 KMs’ના ‘મરેંગે તો વહીં જાકર’ માટે આ અવૉર્ડ આપવામાં આવ્યો છે. આ તમામ અવૉર્ડ પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુના હસ્તે આપવામાં આવ્યા હતા. અવૉર્ડ મળતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અજય દેવગને કૅપ્શન આપી હતી, ‘કેટલી જીત મળી કે કેટલા આશીર્વાદ મળ્યા છે એ નથી ગણી રહ્યો, માત્ર આ બધા માટે સૌનો આભાર માની રહ્યો છું. તમે આપેલા પ્રેમને કારણે આ જીત તમારી સાથે શૅર કરું છું. ભારતનાં પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુના હાથે આ અવૉર્ડ મેળવીને સન્માન અનુભવું છું.’