28 September, 2022 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિયાન વિક્રમ અને ઐશ્વર્યા રાય બચ્ચન
ચિયાન વિક્રમે ઐશ્વર્યા રાય બચ્ચનનાં ભારોભાર વખાણ કરતાં જણાવ્યું કે તે દરેકનું દિલ ચોરી લે છે. આ બન્ને મણિ રત્નમની ‘પુનિયિન સેલ્વન 1’માં સાથે દેખાવાનાં છે. આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બરે હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. ૨૦૧૦માં આવેલી ‘રાવણ’માં ઐશ્વર્યા અને વિક્રમે સાથે કામ કર્યું હતું. હવે તેમની આ બીજી ફિલ્મ છે. ઐશ્વર્યાની પ્રશંસા કરતાં વિક્રમે કહ્યું કે ‘તે દરેકનું દિલ જીતી લે છે. પર્ફેક્શનની એક છબી છે ઍશ. અમે હંમેશાં તેની પાસેથી પ્રેરણા લઈએ છીએ. મેં તેની ફિલ્મો જોઈ છે. વાત માત્ર તેની સુંદરતાની જ નથી, તે દરેક વિષય પર અડીખમ ઊભી રહે છે. તેના જેવા બનવું અઘરું છે. તેના પર હંમેશાં લોકોનું ધ્યાન હોય છે. તેને હંમેશાં પર્ફેક્ટ રહેવું પડે છે. તેની દરેક વસ્તુમાં સ્ટાઇલ હોય છે. તેનામાં રહેલો આત્મવિશ્વાસ, તેની ભવ્યતાનો હું અનુભવ કરું છું. તમે ચેન્નઈ જાઓ કે પછી સાઉથ ઇન્ડિયાના કોઈ પણ શહેરમાં જાઓ તો ત્યાંના જ્વેલરી સ્ટોર્સ અને સાડીના સ્ટોર્સમાં તમને તેનો ફોટો અચૂક દેખાશે. છેવટે મેં જ્યારે તેની સાથે કામ કર્યું તો મને તેની પ્રોફેશનલ સાઇડ પણ જોવા મળી. હું ખરેખર લકી છું કે મને તેની સાથે કામ કરવાની તક મળી. તેની સાથે કામ કરવાની ખૂબ મજા આવી. એ કેમિસ્ટ્રીને મેં એન્જૉય કરી. અમારા ફૅન્સ અમને કહે છે કે તમને સાથે જોવાં સારું લાગે છે. જોકે ફિલ્મોમાં હું તેને પામી નથી શકતો.’
એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે ઐશ્વર્યાને ડાન્સ કરતી જોઈને વિક્રમ એમાં ગુમ થઈ ગયો હતો. એ વિશે એકરાર કરતાં વિક્રમે કહ્યું કે ‘તે જ્યારે શૂટ કરી રહી હતી. મને લાગે છે કે મારા હાથમાં વાઇનનો ગ્લાસ હતો. તે ડાન્સ કરી રહી હતી અને હું તેને જોઈ રહ્યો હતો. શૉટ રેડી હતો. અચાનક મને એહસાસ થયો કે મારે પણ કંઈક તો કરવાનું હતું. ખરેખર એ વખતે હું પોતે મારા શૉટને ભૂલી ગયો હતો. આ મારું એક પ્રામાણિક કન્ફેશન છે.’