16 September, 2023 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાના પાટેકર
નસીરુદ્દીન શાહે હાલમાં જ ‘ગદર 2’, ‘ધ કશ્મીર ફાઇલ્સ’ અને ‘કેરલ સ્ટોરી’ને મળેલી સફળતાને જોતાં નિંદા કરી હતી. હવે નાના પાટેકરે પણ ફિલ્મોનાં નામ લીધા વગર એની નિંદા કરી છે. તેઓ આગામી ફિલ્મ ‘ધ વૅક્સિન વૉર’માં દેખાવાના છે. તેમનું કહેવું છે કે આવી ફિલ્મો બનાવીને લોકોને ફિલ્મો પસંદ કરવા માટે વિવશ કરવામાં આવે છે. એ વિશે વિસ્તારમાં જણાવતાં નાના પાટેકરે કહ્યું કે ‘મેં એક ફિલ્મ જોઈ, જે ખૂબ હિટ થઈ રહી છે. મતલબ કે હું પૂરી ફિલ્મ જોઈ શક્યો નહીં. આ ફિલ્મ હાલમાં ખૂબ ચાલી રહી છે. હવે આવી ફિલ્મો ચાલે છે તો આપણને એવું લાગે છે કે આવી ફિલ્મો વારંવાર દેખાડીને આપણને એ પસંદ કરવા માટે વિવશ કરવામાં આવે છે.’
સાથે જ નેપોટિઝમ પર પણ તેમણે કટાક્ષ કર્યો છે. એ વિશે નાના પાટેકરે કહ્યું કે ‘હું ઍક્ટર છું અને જો હું મારા દીકરાને ઍક્ટર બનાવવા માગતો હોઉં પછી ભલે તેનામાં એની ક્ષમતા ન હોય, પરંતુ હું તેને લોકો પર થોપી બેસાડવા માગું છું. તેની એક ફિલ્મ ફ્લૉપ થશે. બીજી ફિલ્મ ફ્લૉપ થશે અને આવી રીતે તેની દસ ફિલ્મો પણ ફ્લૉપ થશે. ત્યાર બાદ તેની ખામીઓ ઓછી દેખાવા લાગશે. ધીમે-ધીમે તે લોકોને પણ ગમવા માંડશે. આવી રીતે એક દિવસ તે માથા પર બેસી જશે. આવી સ્થિતિ આજે ઇન્ડસ્ટ્રીની છે. સાથે જ કેટલીક બકવાસ ફિલ્મો પણ છે, જે જોવા માટે આપણને વિવશ કરવામાં આવે છે. એવામાં જો ‘ધ વૅક્સિન વૉર’ આવશે તો જાણ થશે કે ના, બન્ને ફિલ્મોમાં ફરક છે.’