24 December, 2024 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શત્રુઘ્ન સિંહા અને સોનાક્ષી સિંહા
આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને વિખ્યાત કવિ કુમાર વિશ્વાસે મેરઠની એક ઇવેન્ટમાં શત્રુઘન સિંહા અને સોનાક્ષી સિંહાને ઇનડાયરેક્ટલી ટાર્ગેટ કરીને વિવાદ ઊભો કર્યો છે. ૨૧ ડિસેમ્બરે કુમાર વિશ્વાસે મેરઠ મહોત્સવમાં ભાગ લીધો હતો અને એ કાર્યક્રમમાં તેમણે ત્યાં હાજર લોકોને સંબોધીને કહ્યું : તમારાં બાળકોને સીતાજીની બહેનોનાં અને ભગવાન રામના ભાઈઓનાં નામ યાદ રાખવાનું કહો... એક સંકેત આપી રહ્યો છું, જે સમજી જાય તેમની તાળીઓ પડે... તમારાં બાળકોને રામાયણ વંચાવો અને ગીતા સંભળાવો; અન્યથા એવું ન થાય કે તમારા ઘરનું નામ તો રામાયણ હોય અને તમારા ઘરની શ્રીલક્ષ્મીને બીજું કોઈ ઉપાડી જાય.
કુમાર વિશ્વાસની આ વાતનાં સીધાં ટાર્ગેટ શત્રુઘન સિંહા અને સોનાક્ષી સિંહા એટલા માટે છે કે શત્રુઘન સિંહાના મુંબઈના ઘરનું નામ રામાયણ છે અને સોનાક્ષી સિંહાએ થોડા વખત પહેલાં મુસ્લિમ યુવાન ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યાં છે. કુમાર વિશ્વાસ તેમની વાતમાં આડકતરી રીતે આ આંતરધર્મીય લગ્નનો ઉલ્લેખ કરી રહ્યા હતા એવું તારણ કાઢીને સોશ્યલ મીડિયા પર આ મુદ્દો ગાજ્યો છે.
કુમાર વિશ્વાસના આ ટોણાનો શત્રુઘન અને સોનાક્ષી શું જવાબ આપે છે એ જોઈએ, પણ તાજેતરમાં બન્નેએ મુકેશ ખન્નાએ જડબાતોડ જવાબ આપી દીધો હતો. મુકેશ ખન્નાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં ફરી એક વાર શત્રુઘન સિંહાએ સોનાક્ષીનો ઉછેર યોગ્ય નથી કર્યો એ વાતનો ઉલ્લેખ કર્યો હતો. ૨૦૧૯માં સોનાક્ષી જ્યારે ‘કૌન બનેગા કરોડપતિ’માં રામાયણને લગતા એક સવાલનો જવાબ નહોતી આપી શકી અને એના માટે તેણે લાઇફલાઇન લીધી હતી ત્યારે મુકેશ ખન્નાએ સોનાક્ષીના ઉછેર સામે આંગળી ચીંધી હતી. એની પાછળનું કારણ એ જ હતું કે શત્રુઘન સિંહાના ઘરનું નામ તો રામાયણ છે પણ તેમની દીકરીને જ રામાયણનું જ્ઞાન નથી.
મુકેશ ખન્નાને શું જવાબ આપેલો સોનાક્ષી અને શત્રુઘન સિંહાએ?
મુકેશ ખન્નાએ હમણાં પાછી એ વાત ઉખેડી એટલે સોનાક્ષીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી જવાબ આપતાં લખેલું : ડિયર સર, મુકેશ ખન્નાજી... મેં હમણાં તમારું એક સ્ટેટમેન્ટ વાંચ્યું, વર્ષો પહેલાં એક શોમાં મેં રામાયણ વિશેના સવાલનો જવાબ ન આપ્યો એમાં મારા પિતાની ભૂલ છે એવું તમે કહ્યું છે. સૌથી પહેલાં હું તમને યાદ દેવડાવી દઉં કે એ દિવસે એ શોમાં હૉટ સીટ પર બે મહિલાઓ હતી, પણ તમે મારું નામ લેવાનું પસંદ કર્યું અને ફક્ત મારું જ નામ લેવાનું પસંદ કર્યું એની પાછળનાં કારણો સ્વાભાવિક છે. શક્ય છે કે હું શૂન્યમનસ્ક થઈ ગઈ હોઈશ અને ભૂલી ગઈ હોઈશ કે સંજીવની બૂટી કોના માટે લાવવામાં આવી હતી, પણ એ તો સ્પષ્ટ છે કે તમે પણ ખુદ ભગવાન રામે આપેલો ‘ભૂલી જાઓ અને માફ કરો’ના પાઠ ભૂલી ગયા છો... જો ભગવાન રામ મંથરાને માફ કરી શકે, તેઓ કૈકેયીને માફ કરી શકે, યુદ્ધ જીતી લીધા પછી તેઓ રાવણને માફ કરી શકે તો તમે સરખામણીમાં સાવ નાની લાગતી આ વાતને ચોક્કસપણે જતી કરી શકો... એવું નથી કે મને તમારી માફી જોઈએ છે; પણ હા, હું એવું ચોક્કસ ઇચ્છું છું કે મારા અને મારા પરિવારના ભોગે ન્યુઝમાં પાછા આવવા તમે એકની એક વાત પાછી ઉખેળવાની બંધ કરો અને એને ભૂલી જાઓ. અને છેલ્લે, નેક્સ્ટ ટાઇમ તમે મારા પિતાએ મારામાં સીંચેલા સંસ્કાર વિશે બોલશો તો યાદ રાખજો કે એ જ સંસ્કારોને કારણે આ વખતે જે મેં કીધું છે એ આદરપૂર્વક કીધું છે, મારા ઉછેર વિશે તમે અનુચિત નિવેદનો કર્યાં છે એ છતાં.સોનાક્ષીએ આવો તમતમતો જવાબ આપ્યા પછી શત્રુઘન સિંહાએ પણ એક ઇન્ટરવ્યુમાં કહેલું કે ‘સોનાક્ષીએ રામાયણ પરના સવાલનો જવાબ ન આપ્યો એમાં કોઈકને પ્રૉબ્લેમ છે. પહેલી વાત એ કે આ માણસની રામાયણ વિશે નિષ્ણાત બની બેસવાની લાયકાત શું? અને તેને હિન્દુ ધર્મના રખેવાળ તરીકે કોણે નીમ્યો છે?’