13 January, 2023 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અદનાન સમી
તેલુગુ ફ્લૅગ લખતાં અદનાને તેમની નિંદા કરી છે અને ત્યાર બાદ ટ્વિટર પર મિક્સ રીઍક્શન આવી રહ્યાં છે ‘RRR’ને મળેલા ગોલ્ડન ગ્લોબ અવૉર્ડને લઈને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાય. એસ. જગન મોહન રેડ્ડીએ એને તેલુગુ ફ્લૅગ જણાવીને અભિનંદન આપ્યાં હતાં. એને લઈને અદનાન સમીએ તેમની નિંદા કરી છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાનના એ ટ્વીટ પર રિપ્લાય આપતાં અદનાન સમીએ ટ્વીટ કર્યું કે ‘તેલુગુ ફ્લૅગ? કદાચ તમારો અર્થ ભારતીય ફ્લૅગ છે? આપણે બધા પહેલાં ભારતીયો છીએ અને એથી પોતાને દેશથી અળગા દેખાડવાનું બંધ કરો. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે. આપણે એક દેશ છીએ. અલગાવવાદી વર્તન ખરાબ છે જે આપણે ૧૯૪૭માં જોઈ ચૂક્યા છીએ. થૅન્ક યુ. જય હિન્દ.’
અદનાનના જવાબથી સોશ્યલ મીડિયામાં એક શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે. અદનાનનું ટ્વીટ રાજ્યનાં હેલ્થ, ફૅમિલી વેલ્ફેર અને મેડિકલ એજ્યુકેશનનાં મિનિસ્ટર રજની વિદાદલાને પસંદ નથી પડ્યું. તેમણે અદનાનને વળતો જવાબ આપ્યો છે. એ માટે રજની વિદાદલાએ ટ્વીટ કર્યું કે ‘પોતાને મળેલી ઓળખ પર ગર્વ લેવો એ કાંઈ દેશપ્રેમની વિરુદ્ધમાં નથી. કોઈને માન આપવું એ અલગાવવાદીને નથી દેખાડતું. આ બન્ને વસ્તુમાં કન્ફ્યુઝ ન થવું જોઈએ. ટ્વિટર પર વધુ વિચારવાને બદલે તમારે ભારત માટે વધુ એક ગોલ્ડન ગ્લોબ લાવવા પર કામ કરવું જોઈએ.’