આદિત્ય ચોપડાનાં મમ્મીના અવસાનથી બૉલીવુડ શોકમાં

21 April, 2023 03:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૭૦માં પમેલા ચોપડા અને યશ ચોપડાનાં લગ્ન થયાં હતાં.

પમેલા ચોપડા અને યશ ચોપડા

આદિત્ય ચોપડાનાં મમ્મી પમેલા ચોપડાના અવસાન પર બૉલીવુડે સંવેદના વ્યક્ત કરી છે. તેઓ યશ ચોપડાનાં પત્ની હતાં. ૭૪ વર્ષનાં પમેલા ચોપડા થોડા સમયથી બીમાર હતાં અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. યશરાજ ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસને હવે આદિત્ય ચોપડા સંભાળે છે. ૧૯૭૦માં પમેલા ચોપડા અને યશ ચોપડાનાં લગ્ન થયાં હતાં. તેમને બે દીકરા આદિત્ય અને ઉદય છે. પમેલાએ અનેક ફિલ્મોનાં યાદગાર ગીતો પણ ગાયાં છે. એમાં ‘ચાંદની’નું ‘મૈં સસુરાલ નહીં જાઉંગી’, ‘આઇના’નું ‘મેરી બન્નો કી આએગી બારાત’ અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’નું ‘ઘર આજા પરદેસી’ સામેલ છે. સાથે જ તેમણે ખૈયામ, રાજેશ રોશન, શિવ-હરિ, જતિન-લલિત, દિલીપ સેન-સમીર સેન સહિત અનેક મ્યુઝિક કમ્પોઝર્સ સાથે કામ કર્યું હતું. આ સિવાય તેઓ ‘કભી કભી’ અને ‘દિલ તો પાગલ હૈ’ની સ્ટોરીના કો-રાઇટર પણ હતા. તેમણે કેટલીક ફિલ્મોને પણ કો-પ્રોડ્યુસ કરી છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ના તેઓ અસોસિએટ પ્રોડ્યુસર હતા. તેઓ ‘મોહબ્બતેં’, ‘મુઝસે દોસ્તી કરોગે’, ‘મેરે યાર કી શાદી હૈ’ અને ‘વીર ઝારા’ના કો-પ્રોડ્યુસર હતા. સાથે જ તેમણે ‘સિલસિલા’ અને ‘સવાલ’ના ડ્રેસ-ડિઝાઇનર તરીકેની ભૂમિકા ભજવી હતી. તેમને અંતિમ વિદાય આપવા માટે ઇન્ડસ્ટ્રીમાંથી અનેક સેલિબ્રિટીઝ તેમના ઘરે પહોંચી હતી. શાહરુખ ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, હૃતિક રોશન, વિકી કૌશલ, કૅટરિના કૈફ, શ્રદ્ધા કપૂર, જૉન એબ્રાહમ અને કૉરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ સહિત અનેક લોકો તેમને અંતિમ વિદાઈ આપવા પહોંચ્યા હતા. તેમના અવસાનના સમાચાર મળતાં જ બૉલીવુડે સોશ્યલ મીડિયામાં તેમના પ્રતિ લાગણી વ્યક્ત કરી છે. 

કોણે શું કહ્યું?

ભારે હૃદયે ચોપડા ફૅમિલી સૌને જણાવવા માગે છે કે ૭૪ વર્ષનાં પમેલા ચોપડાનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તમે સૌએ કરેલી પ્રાર્થના બદલ આભારી છીએ. દુ:ખની આ ઘડીમાં ફૅમિલીની વિનંતી છે કે તેમની પ્રાઇવસીનું ધ્યાન રાખવામાં આવે. - યશરાજ ફિલ્મ્સ

શ્રી યશ ચોપડાનાં પત્ની પમેલા ચોપડાનું અવસાન થયું છે. તેઓ મહાન, ઇન્ટેલિજન્ટ, એજ્યુકેટેડ અને ઉત્સાહથી ભરેલાં હતાં. મારી જેમ જેમણે પણ યશજી સાથે કામ કર્યું છે તેઓ જાણે છે કે તેમણે સ્ક્રિપ્ટ્સ અને મ્યુઝિકમાં કેટલું યોગદાન આપ્યું છે. તેઓ અદ્ભુત વ્યક્તિ હતાં. - જાવેદ અખ્તર

દેખી ઝમાને કી યારી, બિછડે સભી બારી બારી...અલવિદા પૅમ ચોપડા! તમે અને યશજી મુંબઈમાં મારા પસાર થયેલાં વર્ષોનો એક અતૂટ અને અગત્યનો ભાગ હતાં. તમારા સ્માઇલને હું મારા જીવનની એક સુંદર ભેટ સમજતો હતો. હું નસીબદાર છું કે મને તમારી સાથે ઘણો સમય પસાર કરવાની તક મળી. ઓમ શાંતિ. - અનુપમ ખેર

પમેલા આન્ટીના અવસાનના સમાચારની જાણ થતાં જ હું ખૂબ દુખી થયો છું. ઇન્ડસ્ટ્રીમાં તેમની છાપ અને લોકોના જીવન પર તેમણે જે અસર પાડી છે એ હંમેશાં લોકોને યાદ રહેશે. - સંજય દત્ત

આદિત્ય, રાની, ઉદય અને ચોપડા પરિવાર પ્રત્યે હું સાંત્વના વ્યક્ત કરું છું. પૅમ આન્ટીને હંમેશાં જાજરમાન મહિલા કે જેમની સેન્સ ઑફ હ્યુમર ગજબની હતી, એ રીતે યાદ કરવામાં આવશે. તેઓ દરેકની કાળજી લેતાં હતાં.  - માધુરી દી​ક્ષિત નેને

entertainment news bollywood news bollywood gossips bollywood events yash chopra aditya chopra