21 June, 2023 04:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રભાસ અને ક્રિતી સૅનન
સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ દ્વારા પણ હવે ‘આદિપુરુષ’ને બૅન કરવાની ડિમાન્ડ કરી છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે અને એમાં પ્રભાસ, ક્રિતી સૅનન અને સૈફ અલી ખાને કામ કર્યું છે. આ ફિલ્મનો એનાં ડાયલૉગ, એની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને સ્ટોરીને લઈને ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે. ધીમે-ધીમે આ ફિલ્મને બધા બૅન કરવાની ડિમાન્ડ કરી રહ્યા છે. આ ફિલ્મને લઈને સમાજવાદી પાર્ટીના પ્રેસિડન્ટ અખિલેશ યાદવે પણ આ ફિલ્મને બૅન કરવાની ડિમાન્ડ કરી છે. તેમણે સેન્સર બોર્ડને પણ કહ્યું હતું કે તેમણે આ ફિલ્મને સર્ટિફિકેટ આપવા પહેલાં એને બરાબર ચેક કરવાની જરૂર હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘સેન્સર બોર્ડ શું ધૃતરાષ્ટ્ર બની ગયું છે?’
રાષ્ટ્રીય લોકદળે પણ ફિલ્મને બૅન કરવાની ડિમાન્ડ કરી છે. પાર્ટીના સ્પોક્સપર્સને કહ્યું કે ‘ફિલ્મ ‘આદિપુરુષ’માં ‘રામાયણ’ની મજાક ઉડાવવામાં આવી છે અને સનાતન ધર્મ એ ક્યારેય સહન નહીં કરે. ડાયલૉગ અને કેટલાંક દૃશ્ય દ્વારા લોકોની લાગણીઓને દુભાવવામાં આવી છે. અમે આ ફિલ્મને બૅન કરવાની ડિમાન્ડ કરીએ છીએ.’
‘આદિપુુરુષ’નો બૉક્સ-ઑફિસ પર ધંધો થયો ડાઉન
‘આદિપુરુષ’નો બિઝનેસ બૉક્સ-ઑફિસ પર ખૂબ જ ડાઉન થઈ ગયો છે. ફિલ્મે ઓપનિંગ વીક-એન્ડમાં સારો બિઝનેસ કર્યો હતો, કારણ કે ફિલ્મનું ઍડ્વાન્સ બુકિંગ થઈ ગયું હતું. જોકે ફિલ્મ રિલીઝ થયા બાદ તેને જે નેગેટિવ રિવ્યુ મળ્યા છે એને લઈને ફિલ્મનો બિઝનેસ સોમવારથી બેસી ગયો છે. ફિલ્મનો વર્લ્ડ વાઇડ બિઝનેસ આપવામાં આવી રહ્યો છે, પરંતુ મેકર્સ દ્વારા ભારતમાં અને હિન્દીમાં કેટલો બિઝનેસ થયો એ આંકડો જાહેર કરવામાં નથી આવી રહ્યો. જોકે ફિલ્મને જે રીતે બૅન કરવાની ડિમાન્ડ વધી રહી છે અને જે રીતે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એને કારણે લોકો થિયેટર્સમાં ખૂબ જ ઓછા જઈ રહ્યા છે. પહેલાં એવું હતું કે થિયેટર્સમાં સીટ મળશે કે કેમ એ સવાલ હતો. જોકે હવે થિયેટર્સ ખૂબ જ ખાલી જઈ રહ્યાં છે અને એને કારણે શો પણ ઓછા કરવામાં આવે એવો માહોલ બની ગયો છે. આ ફિલ્મને લઈને વિકી કૌશલ અને સારા અલી ખાનની ‘ઝરા હટકે, ઝરા બચકે’એ સોમવાર સુધીમાં ૬૯.૩૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે ત્રીજા અઠવાડિયાના સોમવારે ૧.૦૮ કરોડનો બિઝનેસ કર્યો છે, જે આ ફિલ્મ માટે ખૂબ જ મોટી વાત છે.
ક્રિતી સૅનન થઈ ટ્રોલ
‘આદિપુરુષ’નું બૉક્સ-ઑફિસ કલેક્શન શૅર કરવાને કારણે ક્રિતી સૅનનને ટ્રોલ કરવામાં આવી છે. આ ફિલ્મના ડાયલૉગ અને ‘રામાયણ’ને જે રીતે રજૂ કરવામાં આવી છે એને લઈને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. ક્રિતી સૅનને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું કે આ ફિલ્મે દુનિયાભરમાં ત્રણ દિવસમાં ૩૪૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ પોસ્ટ પર યુઝર્સે નેગેટિવ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક યુઝર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ડિસલાઇક બટન અથવા તો બૉયકૉટ બટન હોવું જોઈએ. એક યુઝરે તો ક્રિતી સૅનનને ત્યારે જ અનફૉલો કરી દીધી હતી. કેટલાક લોકો ‘રામાયણ’ માટે ન્યાયની ડિમાન્ડ કરી રહ્યા છે.