22 March, 2023 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સતીશ કૌશિકની આ છેલ્લી તસવીર છે જે વર્ધન પુરીએ નૌટંકી ફિલ્મના સેટ પર ક્લિક કરી હતી (સતીશ કૌશિક અન વર્ધન પુરી)
બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા સતીશ કૌશિક (Satish Kaushik)ના નિધનનો શૉક હજી પણ અનુભવાય રહ્યો છે. તેમના સહકલાકારો અને ફેન્સ તેમને પળે પળે યાદ કરી રહ્યાં છે. `યે સાલી આશિકી`ના અભિનેતા વર્ધન પુરી (Vardhan Puri)એ સતીશ કૌશિકને યાદી કરી કેટલીક અવિસ્મરણીય ક્ષણો શેર કરી છે. અભિનેતાનું કહેવું છે કે તે ધન્યતા અનુભવે છે કે સ્વર્ગસ્થ બહુમુખી પ્રતિભા ધરાવતા અનુભવી સતીશ કૌશિક સાથે તેમને કારકિર્દીમાં બે વાર સ્ક્રીન શેર કરવાની તક મળી. આગામી સમયમાં રિલીજ થનારી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ `નૌટંકી`માં બંનેએ સાથે સ્ક્રીન શેર કરી છે.
વર્ધન પુરી જણાવે છે કે “સતીશજી માત્ર એક મહાન અભિનેતા અને સહ-અભિનેતા જ નથી પણ પિતાની વ્યક્તિ, શુભચિંતક અને હું જેને પરિવારના સભ્ય તરીકે માનતો હતો તે પણ છે. મને હજુ પણ યાદ છે કે જ્યારે અમે મારી પ્રથમ ફિલ્મ `યે સાલી આશિકી`માં એક ખૂબ જ મહત્વપૂર્ણ પાત્ર ભજવવા માટે સતીષજીનો સંપર્ક કર્યો હતો, ત્યારે તેઓ આ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા કારણ કે તેમને સ્ક્રિપ્ટ અને તેમનો રોલ ગમ્યો હતો, પરંતુ ખૂબ જ દુઃખની વાત છે કે અમારી તારીખો થોડી બદલાઈ ગઈ અને તેમણે અગાઉની કેટલીક પ્રતિબદ્ધતાઓ હતી, તેથી તે ફિલ્મ કરી શક્યા. ત્યાર બાદ અમે એક અન્ય પ્રોજેક્ટ માટે તેમનો સંપર્ક કર્યો તો સ્ક્રિપ્ટ સારી જ હશે એવું કહીને તરત હા પાડી દીધી હતી. તે માત્ર એક દિવસનું શૂટ હતું પરંતુ અમારો સૌથી અદ્ભુત અનુભવ રહ્યો હતો, ખાસ કરીને તેણે અમારી સાથે શેર કરેલા તેમના શબ્દો, જે ક્યારેય ભૂલાશે નહીં.
અભિનેતા વધુમાં જણાવે છે કે મને યાદ છે કે આ પીઢ અને અનુભવી એક્ટર સાથે ફરી કામ કરવા માટે હું ઝંખી રહ્યો હતો. એમાં નસીબનો સાથ મળ્યો અને એક વર્ષની અંદર ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ મને તેમની આગામી ફિલ્મ `નૌટંકી` માટે સાઈન કર્યો, જે ખૂબ જ ટૂંક સમયમાં રિલીઝ થશે. મને સૌથી સર્વતોમુખી અને કુશળ અભિનેતા સતીષજી સાથે ફરીથી કામ કરવાનો આનંદ મળ્યો આ ફિલ્મમાં.
આ પણ વાંચો: Satish Kaushikના મોતનું અન્ડરવર્લ્ડ કનેક્શન? પાર્ટીમાં દાઉદનો પુત્ર હતો સામેલ
`નૌટંકી` ના સેટ પરથી એક રસપ્રદ કિસ્સો શેર કરતા વર્ધન જણાવે છે, "મને યાદ છે કે એક વખત મેં તેમને સેટ પર સતીશ સર કહીને બોલાવ્યા હતા અને તેમણે મને કહ્યું હતું કે, "બેટા, જો તમે મને સતીશ અંકલ કહેશો તો મને વધુ ગમશે કારણ કે હું પરિવારની જેમ છું. અંકલ સંબોધન તેને વધુ પ્રેમાળ બનાવશે. સરથી એક સિનિયર વાલી લાગણી આવી જાય છે. આપણે સેટ પર કલાકારો તરીકે સમાન છીએ. અમે સેટ પર ખુબ જ સમય સાથે પસાર કર્યો છે, અમે સાથે જમતા અને અનેક મુદ્દાઓ પર ચર્ચા પણ કરતા હતાં.
આ જ કડીમાં આગળ વાત કરતાં અભિનેતાએ જણાવ્યું, `અમે એક દિવસ ભોપાલમાં `નૌટંકી` ના સેટ પર શૂટિંગ કરી રહ્યા હતા અને સતીશજીએ મને બોલાવ્યું અને કહ્યું, "વર્ધન બેટે ઇધર આના. કાલે તેંં અનુપમની ખુબ જ સરસ તસવીર ક્લિક કરી હતી, મારો ફોટો પણ લઈ આપને..મારે જોવું છે કે આ ગેટ-અપમાં હું કેવો લાગું છું.” મેં તરત જ તેમનો ફોટો ક્લિક કર્યો અને ફોટો જોયા બાદ તેમણે તેમની શૈલીમાં કહ્યું, “અરે યાર, બડી અચ્છી ફોટો લી હૈ તુને. મેરા એક બાર ફોટોશૂટ તુ ખુદ અપને હાથો સે જરૂર કરના. મઝા આ જાયેગા! ઔર સાથ મેં ભી લેંગે અચ્છી ફોટો જો ઇન્સ્ટાગ્રામ પે ડાલેંગે”
વર્ધન પુરીએ કહ્યું કે સતીશ કૌશિકનું જવું ખરેખર બૉલિવૂડ માટે એક મોટી ખોટ છે. આજે એ આપણી સાથે નથી પરંતુ હું હંમેશા તેમની ફિલ્મો દ્વારા તેમની ઉજવણી કરીશ. હું તેને પ્રેમ કરતો રહીશ. મેં માત્ર એક મહાન સહ-અભિનેતાને ગુમાવ્યા નથી, પણ મેં એવા વ્યક્તિને ગુમાવ્યા છે જે મારા માટે પરિવાર સમાન હતા.