મારું પણ થયું હતું મેરઠમાં અપહરણ

12 December, 2024 09:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુનીલ પાલનું અપહરણ બનાવટી હતું કે કેમ એવી ચર્ચા વચ્ચે હવે અભિનેતા મુશ્તાક ખાન કહે છે કે... અવૉર્ડ‍્સ પ્રોગ્રામમાં હાજરી આપવાના નામે ઍડ્વાન્સ પેમેન્ટ આપીને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા : કિડનૅપરોએ બે લાખ રૂપિયા ધમકાવીને લીધા હોવાની કરી ફરિયાદ :

મુશ્તાક ખાન

કૉમેડિયન સુનીલ પાલની જેમ અભિનેતા મુશ્તાક ખાનને પણ ૨૦ નવેમ્બરે દિલ્હી બોલાવીને અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉત્તર પ્રદેશના બિજનૌર શહેર પોલીસ-સ્ટેશનમાં મંગળવારે તેમના બિઝનેસ-પાર્ટનર શિવમ યાદવે નોંધાવી હતી. અવૉર્ડ‍્સ પ્રોગ્રામમાં હાજરી આપવાના નામે મુશ્તાક ખાનને ઍડ્વાન્સ પેમેન્ટ આપીને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ લોકોએ તેમનું અપહરણ કરીને બંદી બનાવી રાખ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આરોપીઓને શોધવા માટે ઉત્તર પ્રદેશ પોલીસે સ્પેશ્યલ ટીમની રચના કરીને લોકલ ક્રાઇમ બ્રાન્ચને પણ આની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

૨૫,૦૦૦ રૂપિયા ઍડ્વાન્સ આપીને ફ્લાઇટની ટિકિટ પણ મોકલવામાં આવી હતી અને સામાન્ય રીતે આ પ્રમાણે જ ઍક્ટરોને બોલાવવામાં આવતા હોય છે એટલે તેમના પર જરાય શંકા ગઈ નહોતી એમ જણાવીને મુશ્તાક ખાનના બિઝનેસ-પાર્ટનર શિવમ યાદવે

‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૫ નવેમ્બરે મેરઠથી રાહુલ સૈની નામના યુવાને મુશ્તાકને ફોન કરી કહ્યું હતું કે મેરઠમાં ૨૦ નવેમ્બરે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં અતિથિ વિશેષ તમે છો, આ ઉપરાંત તમારે કેટલાક લોકોનું સન્માન કરવાનું છે. આ પ્રોગ્રામમાં તમારી થતી ફી હું તમને આપીશ એમ કહીને તેણે મુશ્તાકભાઈના બૅન્ક-અકાઉન્ટમાં ઍડ્વાન્સ તરીકે ૨૫,૦૦૦ રૂપિયા મોકલ્યા હતા. એની સાથે મુંબઈથી દિલ્હીની ઍર ઇન્ડિયાની ફ્લાઇટની ટિકિટ પણ મોકલી હતી. સામાન્ય રીતે આવી રીતે જ આયોજકો પ્રોગ્રામમાં ઍક્ટરને બોલાવતા હોવાથી મુશ્તાકભાઈને જરાય શક તેમના પર થયો નહોતો.’

આ ઘટના બાદ મુશ્તાકભાઈ ખૂબ જ ડરી ગયા હતા, પણ સુનીલ પાલ સાથે થયેલી ઘટના સામે આવ્યા બાદ આવી રીતે બીજા કોઈ અભિનેતા અપહરણકર્તાનો શિકાર ન બને એ માટે ૨૦ દિવસ પછી તેઓ ફરિયાદ નોંધાવવા તૈયાર થયા હતા એમ જણાવતાં શિવમ યાદવે વધુમાં કહ્યું હતું કે ‘સિક્યૉરિટી ઉપરાંત કારની વ્યવસ્થા ઍરપોર્ટ પર જ હશે એમ કહેવામાં આવ્યું હોવાથી ૨૦ નવેમ્બરે બપોરે પોણાચાર વાગ્યે મુશ્તાકભાઈ દિલ્હી ઍરપોર્ટ પર પહોંચી ગયા હતા. ત્યાં તેમને એક કાર લેવા માટે આવી હતી. મુશ્તાકભાઈ કારમાં બેઠા એ પછી કાર મેરઠના રસ્તા પર આગળ વધી હતી. આશરે એક કલાક કાર ચાલ્યા બાદ શિકંજી હોટેલ પર ડ્રાઇવરે કાર ઊભી રાખી હતી અને ત્યાં જ ઊભેલી સફેદ કલરની બીજી કારમાં બેસી જવા કહ્યું હતું. તેઓ બીજી કારમાં બેઠા ત્યારે એ કારમાં રહેલા બે લોકો સહિત ડ્રાઇવરે તેમને અપશબ્દો બોલી તેમનું મોઢું સીટ પર દબાવીને ઉપર ચાદર જેવી વસ્તુ નાખી દીધી હતી. ત્યાર બાદ આશરે ૪થી પાંચ કલાક તેમને એમ જ બેસાડી રાખવામાં આવ્યા હતા અને કાર ચાલતી રહી હતી. રાતે તેમને એક રૂમમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સતત ત્રાસ આપવામાં આવ્યો હતો. એની સાથે તેમની પાસે પહેલાં એક કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમના ખિસ્સામાં રહેલાં બૅન્કોનાં કાર્ડ કાઢી લેવામાં આવ્યાં હતાં અને બે લાખ રૂપિયા જબરદસ્તી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એ દરમ્યાન અપહરણ કરનારાઓએ રાતે ખૂબ જ દારૂ પીધો હોવાથી બધા સૂઈ ગયા હતા ત્યારે વહેલી સવારે બાંગનો અવાજ સાંભળીને આસપાસમાં ઘર હશે એવો અંદાજ લગાવીને મુશ્તાકભાઈ ઘરનો દરવાજો અંદરથી ખોલીને બહાર આવ્યા હતા અને સામે દેખાતી મસ્જિદમાં ચાલ્યા ગયા હતા. ત્યાં રહેલા મૌલાનાએ તેમને ઓળખી લેતાં ગામના લોકોની મદદ લીધી હતી. ત્યાર બાદ આ ઘટનાની જાણ અમને થતાં અમે તેમની મદદે બિજનૌર પહોંચ્યા હતા. આ ઘટના બાદ તેઓ ખૂબ જ ડરી જવાથી પહેલાં તેમણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે સુનીલ પાલનો કેસ બહાર આવ્યા બાદ બીજા અભિનેતાઓ આ અપહરણકર્તાથી સાવચેત થાય એટલે તેમણે પણ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું.’

sunil pal entertainment news bollywood bollywood news new delhi