07 December, 2024 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈની એક હોટેલમાં અમદાવાદની યોગ-ઇન્સ્ટ્રક્ટર રસના દવે સાથે યોગ કરતી મમતા કુલકર્ણી
૯૦ના દાયકામાં ‘રામ લખન’, ‘ક્રાન્તિવીર’, ‘વક્ત હમારા હૈ’, ‘કરણ અર્જુન’, ‘સબસે બડા ખિલાડી’, ‘આંદોલન’ અને ‘બાઝી’ જેવી કેટલીયે ફિલ્મોમાં ચમકેલી મમતા કુલકર્ણી અઢી દાયકા પછી ભારત પાછી આવી છે. મમતાએ તાજેતરમાં જ પોતે એક વિડિયો શૅર કરીને કહ્યું હતું કે હું ૨૫ વર્ષે ઇન્ડિયા પાછી આવું છું.
મમતાએ જોકે સ્પષ્ટતા કરી છે કે તે ફિલ્મોમાં કમબૅક કરવા પાછી નથી આવી અને ન તો તે સલમાન ખાનના શો ‘બિગ બૉસ’ માટે આવી છે. એક ઇન્ટરવ્યુમાં મમતાએ કહ્યું હતું કે ‘હું ૨૫ વર્ષથી ભારતની બહાર હતી, હું મારી જાતને શોધી રહી હતી. હવે કુંભમેળો આવી રહ્યો છે, હું એના માટે આવી છું. હું ફિલ્મ-ઇન્સ્ટ્રીમાં પાછી નથી જવાની. હું મારા જીવનમાં ખુશ છું. હું ‘બિગ બૉસ’ માટે પણ ભારત પાછી નથી આવી. મેં જ્યારે ૨૦૦૦ની સાલમાં ભારત છોડ્યું ત્યારે હું ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ટોચની ઍક્ટ્રેસ હતી, મારી પાસે ૪૩ ફિલ્મોની ઑફર હતી. આ બધું મેં છોડી દીધેલું એટલે પાછા આવવાનો સવાલ નથી.’
૨૦૧૬માં મમતા કુલકર્ણી એક મોટા ડ્રગ્સ-કેસમાં ફસાઈ હતી. થાણે પોલીસે તેને ૨૦૦૦ કરોડ રૂપિયાના એક ઇન્ટરનૅશનલ ડ્રગ રૅકેટના કેસમાં આરોપી બનાવી હતી. જોકે ૨૦૨૪માં બૉમ્બે હાઈ કોર્ટે પુરાવાના અભાવે મમતા સામેના આરોપો ડિસમિસ કરી નાખ્યા છે એને પગલે તે ભારત આવી છે.
વિકી ગોસ્વામી મારો હસબન્ડ નથી, હું સિંગલ છું: મમતા
બાવન વર્ષની મમતા કુલકર્ણીએ એક ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું છે કે વિકી ગોસ્વામી સાથે હું રિલેશનશિપમાં હતી, પણ અમે લગ્ન નથી કર્યાં અને હું સિંગલ છું. વિકી ગોસ્વામી એક ઇન્ટરનૅશનલ ગૅન્ગસ્ટર છે અને ડ્રગ્સની હેરાફેરીમાં ઘણી વાર જેલમાં જઈ આવ્યો છે. મમતાનું કહેવું છે કે ચાર વર્ષ પહેલાં મેં તેને બ્લૉક કરી નાખ્યો હતો અને હવે હું લાઇફમાં એ પ્રકરણથી આગળ નીકળી ગઈ છું.