10 February, 2024 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મિથુન ચક્રવર્તી
Mithun Chakraborty Hospitalised:અભિનેતા-રાજકારણી મિથુન ચક્રવર્તી વિશે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મિથુન ચક્રવર્તીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા મિથુનદાને શનિવારે, 10 ફેબ્રુઆરીએ કલકત્તાની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અભિનેતાની તબિયત સારી ન હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. પીઢ અભિનેતા અને બીજેપી નેતા મિથુન ચક્રવર્તીની તબિયત વિશે જાણ્યા બાદ તેમના ચાહકોમાં ચિંતાનું વાતાવરણ છે. હાલમાં કોલકાતાની એપોલો હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ
મિથુન ચક્રવર્તી 73 વર્ષના છે. તમને જણાવી દઈએ કે, 10 ફેબ્રુઆરી, શનિવારની સવારે મિથુન ચક્રવર્તીને અચાનક છાતીમાં દુખાવો અને બેચેનીનો અનુભવ થયો, જેના પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હાલ તેમની તબિયત સ્થિર છે. હવે ચિંતા કરવાની કોઈ વાત નથી. ચાહકો તેમના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણ મળ્યો છે
પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીને તાજેતરમાં પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મિથુનને હિન્દી સિનેમામાં ડિસ્કો ડાન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. પોતાના અભિનય કરિયરમાં તેણે `પરિવાર`, `મેરા યાર મેરા દુશ્મન`, `બાત બન જાયે` અને `દીવાના તેરે નામ` જેવી લગભગ 350 ફિલ્મોમાં કામ કર્યું છે. મિથુન ગયા વર્ષે નવેમ્બરમાં ટીવી શો `સારેગાપામા`ના એપિસોડમાં મુખ્ય અતિથિ તરીકે જોવા મળ્ય હતા. તેમણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતાએ ઘણા ટીવી શોને જજ પણ કર્યા છે.
મિથુન ચક્રવર્તીની આગામી ફિલ્મ
છેલ્લા 15 દિવસથી એક્ટર મિથુન કલકત્તામાં બંગાળી ફિલ્મ `શાસ્ત્રી`ના શૂટિંગમાં વ્યસ્ત હતા. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ `ધ કાશ્મીર ફાઇલ્સ` બાદ મિથુન ચક્રવર્તી છેલ્લે બંગાળી ફિલ્મ `કાબુલીવાલા`માં જોવા મળ્યા હતો. ફિલ્મ `ધ કાશ્મીર ફાઇલ્સ`માં નિવૃત્ત IASની ભૂમિકા ભજવવા બદલ તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો `ફિલ્મફેર એવોર્ડ` પણ એનાયત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે એક શૉમાં મિથુન ચક્રવર્તીએ કહ્યું હતું કે તેના ખરાબ સમયમાં તેની ગર્લફ્રેન્ડ તેમને છોડીને જતી રહી હતી. મિથુને હાલમાં જ ‘સા રે ગા મા પા’માં હાજરી આપી હતી. આ શોને હિમેશ રેશમિયા, નીતિ મોહન અને અનુ મલિક જજ કરી રહ્યા છે. આ શો આદિત્ય નારાયણ હોસ્ટ કરી રહ્યો છે. શોના સ્પર્ધક રીક બાસુના ‘ડિસ્કો ડાન્સર’ પર્ફોર્મન્સ બાદ મિથુને કહ્યું કે ‘મને તારો પર્ફોર્મન્સ પસંદ પડ્યો. હું આ શોને ફૉલો કરી રહ્યો છું અને રીક મને તારા ભૂતકાળ વિશે ખબર છે. તારી શું ફીલિંગ્સ છે એની સાથે હું કનેક્ટ થઈ શકું છું. દરેકે મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડે છે. જોકે મારા અનુભવમાંથી હું એટલું શીખ્યો છું કે પ્રેમ કરવો અને પ્રેમમાં હોવું એ ખૂબ સારી ફીલિંગ છે, પરંતુ એમાં આંધળા હોવું એ નહીં. મારી લાઇફમાં પણ હું આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયો હતો.