06 July, 2021 04:15 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
એજાઝ ખાન
અભિનેતા એજાઝ ખાન હંમેશા કોઈના કોઈ કારણે વિવાદમાં રહેતા હોય છે. મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટે મંગળવારે વિવાદિત અભિનેતા એજાઝ ખાનની જામીન અરજી નામંજૂર કરી છે. મુંબઈના ડ્રગ રેકેટમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા તેની ધરપકડ કરવામાં આવ્યા બાદ અભિનેતાએ જામીન માટે અરજી કરી હતી. એજાઝ લગભગ ત્રણ મહિનાથી જેલમાં છે.
આપને જણાવી દઈએ કે એનસીબીએ ડ્રગ સંબંધિત કેસમાં બૉલિવૂડ એક્ટર અને બિગ બોસના પૂર્વ સ્પર્ધક એજાઝ ખાનની ધરપકડ કરી હતી. એનસીબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ડ્રગ તસ્કર શાદબ બતાતાની પૂછપરછ દરમિયાન ખાનનું નામ સામે આવ્યું હતું. બાતાતાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ એનસીબીએ ખાનની દક્ષિણ મુંબઈની ઓફિસમાં પૂછપરછ કરી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતુ.
ડ્રગ કેસમાં તેની ભૂમિકાની તપાસ કર્યા બાદ એજાઝની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. શહેરની અદાલતે અભિનેતાને 3 એપ્રિલ સુધી એનસીબી કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. તેમણે કહ્યું કે, એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વણખેડેની આગેવાની હેઠળની ટીમે આ મામલે અંધેરી અને લોખંડવાલામાં દરોડા પાડ્યા હતા.
એનસીબી ઓફિસમાં પ્રવેશતાં પહેલા મીડિયા માણસો સાથે વાત કરતા એજાઝ ખાને કહ્યું હતું કે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી અને તે પોતે એજન્સીના અધિકારીઓને મળવા આવ્યા છે. અભિનેતાએ બૉલિવૂડની કેટલીક મૂવીઝ અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તેની ધરપકડના એક અઠવાડિયા પછી એજાઝનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.