અમે નાનપણમાં સલાહ માટે માતા-પિતા પાસે જતા હતા, પણ નવી પેઢી એવી નથી

25 January, 2025 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૩ વર્ષની દીકરી આરાધ્યાના પપ્પા તરીકે અભિષેક બચ્ચને શૅર કર્યો પેરન્ટિંગનો અનુભવ

અભિષેક બચ્ચન

સામાન્ય રીતે માનવામાં આવે છે કે દરેક બાળક પોતાના ઘરના વાતાવરણમાંથી શીખે છે. જોકે દરેક માતા-પિતા ઇચ્છતાં હોય છે કે તેઓ પોતાના બાળકનો સારામાં સારી રીતે ઉછેર કરે. જોકે સાથે-સાથે એ વાત પણ સાચી છે કે દરેક માતા-પિતાની પેરન્ટિંગ સ્ટાઇલ અલગ-અલગ હોય છે. અભિષેક બચ્ચન ૧૩ વર્ષની દીકરી આરાધ્યાનો પિતા છે અને હાલમાં એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાનો પેરન્ટિંગનો અનુભવ શૅર કર્યો છે.

માતા-પિતા શ્રેષ્ઠ શિક્ષક હોય છે એવું માનવામાં આવે છે, પણ એ વાત સાચી છે કે ખોટી એ વિશે હું બહુ સ્પષ્ટ નથી એમ જણાવતાં ઇન્ટરવ્યુમાં અભિષેક કહે છે, ‘મને લાગે છે કે ક્યારેક યોગ્ય ઉછેરમાં માતા-પિતાની લાગણી વચ્ચે આવી જાય છે. આપણા બાળકને હંમેશાં સારામાં સારી વસ્તુ મળે અને  સફળતા મળે એવી આપણી ઇચ્છા હોય છે, પણ સાથે-સાથે એવું પણ ઇચ્છતા હોઈએ છીએ કે આ સફળતા માટેના રસ્તામાં તેમને હર્ટ ન થવું જોઈએ. મને લાગે છે કે માતા-પિતાએ પોતે ઉદાહરણરૂપ વર્તન કરીને બાળક સામે યોગ્ય દાખલો બેસાડવો જોઈએ. હું મારાં માતા-પિતા પાસેથી જે શીખ્યો છું એ તેમની શિખામણ સાંભળીને નહીં પણ તેમનું વર્તન જોઈને શીખ્યો છું.’

જીવન સરળ નથી

પોતાના ઉછેર વિશે વાત કરતાં અભિષેક કહે છે, ‘હું મારાં માતા-પિતાનો આભારી છું કે તેમણે મને મારી રીતે નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી હતી છતાં આજે પણ હું જ્યારે કોઈ મુસીબતમાં ફસાઈ જાઉં છું ત્યારે પહેલાં વિચારું છું કે મારી જગ્યાએ મારા પિતા કે મારી માતા હોત તો તેમણે આખી પરિસ્થિતિને કઈ રીતે સંભાળી હોત? જીવન સરળ નથી, એમાં દરેક પ્રકારની મુસીબતનો સામનો કરવો પડી શકે છે અને જે આ મુસીબતમાંથી બહાર નીકળી શકે છે તે જ ટકી શકે છે. આ કુદરતનો નિયમ છે. તમારે તમારા સપનાને વળગી રહીને એ સાકાર કરવા માટે કોઈ પણ જાતનું સમાધાન કર્યા વગર સંઘર્ષ કરવો પડે છે. અહીં સરળતાથી કાંઈ નથી મળતું.’

હથેળીમાં દુનિયા

આરાધ્યાના ઉછેરનો અનુભવ શૅર કરતાં અભિષેક કહે છે, ‘આરાધ્યાના ઉછેર દરમ્યાન મને એ વાતની ખબર પડી છે કે નવી પેઢી બહુ અલગ છે. અમારા જમાનામાં અમારાં માતા-પિતા અમને કંઈ કહેતાં તો અમે ચૂપચાપ સાંભળી લેતા હતા, પણ આ નવી પેઢી બહુ જિજ્ઞાસુ છે. એને દરેક વસ્તુ પાછળનું કારણ જાણવું છે. માતા-પિતા કહે છે એટલા માટે તેઓ કાંઈ પણ કરવા તૈયાર નથી. આ પેઢી એવું નથી માનતી કે ઉંમર વધારે હોય એ વ્યક્તિ પાસે બધી વાતના સાચા જવાબ હોય જ. તેમની પાસે ગૂગલ છે અને એ લોકો સવાલ પૂછવા માટે માતા-પિતા પાસે નથી જતા. આ પેઢી માતા-પિતા પર સંપૂર્ણપણે આધારિત નથી. અમે ડહાપણ અને અનુભવથી ભરેલી સલાહ માટે વડીલો પાસે જતા હતા, પણ હવે નવી પેઢીની તો હથેળીમાં જ આખી દુનિયા છે. નવી પેઢી કોઈ કામ કરવા માટે એની પાછળ નક્કર કારણ હોય તો જ આગળ વધે છે અને મને તો આ બહુ જ અદ્ભુત લાગે છે. મને આરાધ્યાના ઉછેરની શરૂઆતમાં વાંધો નહોતો આવ્યો, કારણ કે મેં મારાં ભાણેજ નવ્યા નવેલી અને અગસ્ત્યને મારી નજર સામે ઊછરતાં જોયાં છે. નવી પેઢી જક્કી નથી, પણ એને સમજવાના આપણા દૃષ્ટિકોણમાં થોડો બદલાવ લાવવાની જરૂર છે.’

પિતા કે પત્ની સાથે સરખામણી થાય છે ત્યારે કેવું લાગે છે? અભિષેકે કરી સ્પષ્ટતા

અભિષેક બચ્ચનની ઍક્ટિંગ-કરીઅરનાં પચીસ વર્ષ થઈ ગયાં છે છતાં હજી પણ તેની સરખામણી તેના પિતા અને મહાન ઍક્ટર અમિતાભ બચ્ચન સાથે થાય છે. અભિષેક આ સરખામણી વિશે સ્પષ્ટતા કરતાં કહે છે, ‘હવે કોઈ પણ પ્રકારની સરખામણીથી હું ‘ઇમ્યુન’ થઈ ગયો છું, મારા પર કોઈ સાથે કરવામાં આવતી સરખામણીની કોઈ અસર નથી થતી. આ સરખામણી સાથે પનારો પાડવાનું કામ ક્યારેય સરળ નહોતું, પણ હવે જ્યારે પચીસ વર્ષથી સતત આ જ પ્રશ્ન પુછાઈ રહ્યો છે ત્યારે મારા પર એની ખાસ કોઈ અસર નથી થતી. હું માનું છું કે જો તમે મારી સરખામણી મારા પપ્પા સાથે કરો છો તો એ મારી સરખામણી એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ સાથે થઈ રહી છે. આ વાતનો મતલબ તો હું એમ જ કાઢું કે મેં કયું એવું નોંધપાત્ર કામ કર્યું છે કે અમિતાભ બચ્ચન સાથે મારી સરખામણી થઈ રહી છે.’

મારા માટે મારાં માતા-પિતા જ ભગવાન

 મને ખબર નથી કે હું ધાર્મિક છું કે નહીં, પણ મારું ભગવાન સાથે એક ખાસ જોડાણ છે. જોકે હું ભગવાન પાસે જતાં પહેલાં મારાં માતા-પિતા પાસે જાઉં છું. મારું માનવું છે કે જેના પર તમે ભરોસો કરતા હો એ પ્રાથમિકતામાં પહેલાં હોવા જોઈએ. મારા માટે મારાં માતા-પિતા ભગવાન સમાન છે. હું આજે જેકાંઈ છું એ મારા પરિવારને કારણે છું. હું જેકાંઈ કરું છું એ મારા પરિવાર માટે કરું છું. જ્યાં સુધી તમારી પાસે એક પ્રેમ કરનારો, સપોર્ટિવ, સ્વસ્થ અને ખુશ પરિવાર છે ત્યાં સુધી તમારી પાસે બધું બરાબર છે. મારા પરિવારનો મત મારા માટે સૌથી મહત્ત્વનો છે.

abhishek bachchan aishwarya rai bachchan amitabh bachchan jaya bachchan aaradhya bachchan bollywood bollywood news entertainment news