16 September, 2023 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન ફિલ્મ ‘મહારાજ’થી ઍક્ટિંગમાં એન્ટ્રી કરી રહ્યો છે
આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન ફિલ્મ ‘મહારાજ’થી ઍક્ટિંગમાં એન્ટ્રી કરી રહ્યો છે અને આ ફિલ્મ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. યશરાજ ફિલ્મ્સે નેટફ્લિક્સ સાથે મલ્ટિયર ક્રીએટિવ પાર્ટનરશિપ કરી છે. આ ડીલ હેઠળ ‘મહારાજ’ અને આર. માધવનની વેબ-સિરીઝ ‘ધ રેલવે મૅન’ રિલીઝ થવાની છે. વાત કરીએ જુનૈદની ફિલ્મ ‘મહારાજ’ની તો એ ફિલ્મ ૧૮૦૦ના કાળની ડેવિડ વર્સસ ગોલિયેથની સ્ટોરી પર આધારિત છે, જેમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે એક સામાન્ય વ્યક્તિ જે જર્નલિસ્ટ છે, સમાજ માટે એક આદર્શ બની જાય છે. એક નીડર રિપોર્ટરની આ સ્ટોરી છે. તે અનેક ઘટનાઓનાં રહસ્યો પરથી પડદો ઊંચકે છે. હવે વાત ‘ધ રેલવે મૅન’ની તો આ સિરીઝ ભોપાળ ગૅસ ટ્રૅજેડીને દેખાડશે. આ સિરીઝમાં કે. કે. મેનન, દિવ્યેન્દુ શર્મા અને બબીલ ખાન જોવા મળશે. ૧૯૮૪ની બીજી ડિસેમ્બરે ઘટેલી ભોપાળ ગૅસ ટ્રેજેડી દરમ્યાન ભોપાળ સ્ટેશન પર કામ કરતા કર્મચારીઓએ હજારો લોકોના જીવ બચાવ્યા હતા. સાથે જ એ કંપાવનારી ઘટનાએ અનેક લોકોના જીવ પણ લીધા હતા. હવે એ ઘટના અને એની અસર ચાર ભાગમાં જોવા મળવાની છે.