08 January, 2025 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન
બૉલીવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન પોતાના નવા લુકને કારણે ચર્ચામાં છે. હમણાં આમિર તેના દીકરા જુનૈદનું નાટક ‘રનઅવે બ્રાઇડ’ જોવા પૃથ્વી થિયેટરમાં આવ્યો ત્યારે તેણે બ્લૅક સલવાર પર શૉર્ટ કુરતો અને બન્ને કાનમાં ઑક્સિડાઇઝ્ડ બુટ્ટી પહેરી હતી એના પર લોકોનું ધ્યાન ખેંચાયું હતું. આમિર ખાનનો કાનમાં બુટ્ટી પહેરેલો ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
ફૅન્સ આમિરની આ નવી અને અનોખી સ્ટાઇલ માટે જુદી-જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા આ લુકને સ્ટાઇલિશ અને ટ્રેન્ડી કહે છે તો ઘણા એમ માને છે કે આ તેની આવનારી નવી ફિલ્મનો લુક હોઈ શકે. એક ફૅને અંદાજ લગાવ્યો છે કે આ લુક તે રજનીકાન્તની ફિલ્મમાં વિલનનો રોલ કરી રહ્યો છે એનો હોઈ શકે. કોઈકે લખ્યું છે કે અરે યાર, આ કેવી સ્ટાઇલ છે? તો કોઈકે હિન્દી ગીતની પંક્તિ લખી છે, ‘ઝુમકા ગિરા રે બરેલી કે બાઝાર મેં...’ કોઈકે નેગેટિવ કમેન્ટ કરતાં લખ્યું છે, હવે છોકરી બનવાનો શોખ થયો છે.
આમ પણ આમિર પોતાના અલગ અંદાજ અને ફિલ્મમાં નવા-નવા પ્રયોગ માટે જાણીતો છે એટલે આ નવા ઝુમકા-લુક માટે ફૅન્સમાં ઉત્સુકતા વધી છે. આમિર ઘણા વખતથી ઍક્ટિંગથી દૂર છે. આ વર્ષે જેનેલિયા ડિઝોસા સાથે સ્પોર્ટ્સ ડ્રામા ‘સિતારે ઝમીન પર’માં દેખાશે. આ ફિલ્મ ‘તારે ઝમીન પર’ની સીક્વલ હશે એમ માનવામાં આવે છે. તામિલ ફિલ્મ ‘કૂલી’માં તેનો કૅમિયો છે અને પ્રીતિ ઝિન્ટા તથા સની દેઓલ સાથે આમિર ‘લાહોર ૧૯૪૭’ બનાવી રહ્યો છે.