11 May, 2024 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિરણ રાવ
આમિર ખાનની એક્સ વાઇફ પર એવો આરોપ લગાડવામાં આવ્યો છે કે તેણે ૧૯૯૯માં આવેલી એક ફિલ્મનાં કેટલાંક દૃશ્યોને ‘લાપતા લેડીઝ’માં કૉપી કર્યાં હતાં. આમિર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મને કિરણે ડિરેક્ટ કરી હતી. આમિર સાથે ઘણી ફિલ્મોમાં કામ કરનાર કો-સ્ટાર અનંત મહાદેવને એવો આરોપ મૂક્યો છે. તે ફિલ્મમેકર પણ છે અને તેના કહ્યા મુજબ ‘ઘૂંઘટ કે પટ ખોલ’માંથી કિરણે દૃશ્યોને કૉપી કર્યાં છે. ‘લાપતા લેડીઝ’નું શરૂઆતનું દૃશ્ય જેમાં ટ્રેનમાં દુલ્હન ખોવાઈ જાય છે અને બેન્ચ પર બેસીને રાહ જુએ છે એ દૃશ્ય તેમ જ મહિલાએ ઘૂંઘટ પહેર્યો હોવાથી પોલીસ ફોટો પરથી તેને શોધી નથી શકતી એ દૃશ્ય પણ કૉપી કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ ફિલ્મ પહેલાં યુટ્યુબ પર ઉપલબ્ધ હતી, પરંતુ ‘લાપતા લેડીઝ’ આવવાની હતી એ સમય દરમ્યાન જ એને એ પ્લૅટફૉર્મ પરથી કાઢી નાખવામાં આવી હોવાનો પણ અનંત મહાદેવને આરોપ મૂક્યો છે. તેણે આ વિશે આમિર અથવા તો કિરણ સાથે કોઈ ચર્ચા નહોતી કરી, કારણ કે તેને ખબર હતી કે તેઓ ફિલ્મમાં કોઈ પણ રીતે તફાવત શોધીને એને દેખાડશે.