26 January, 2025 09:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આમિર ખાન પહોંચ્યો ગુજરાત (તસવીર સૌજન્ય : સોશિયલ મીડિયા)
બૉલિવૂડ અભિનેતા આમિર ખાન આ વર્ષે ગુજરાતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા પહોંચો હતો. આમિર ખાન ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઑફ યુનિટી પાસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમની તસવીરોમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને આમિર સલામી આપતો જોવા મળ્યો હતો.
આમિર ખાને ગુજરાતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છી કે, આમિર ખાન સફેદ આઉટફિટ પહેરીને પરેડની નજીકની જગ્યા તરફ આગળ વધી રહ્યો છે. વીડિયોમાં આગળ અભિનેતાએ હાથ જોડીને ત્યાં હાજર અન્ય મહેમાનોનું સ્વાગત કર્યું અને ધીરજપૂર્વક ઊભો રહ્યો. ધ્વજવંદન સમારોહ દરમિયાન, અભિનેતા તિરંગાને સલામી આપીને શાહિદ સૈનિકો અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપતો જોવા મળ્યા હતો અને તેણે ત્યાં આવેલા બીજા મહેમાનો સાથે રાષ્ટ્રગીત પણ ગાયું હતું.
ગુજરાત માહિતી વિભાગના સત્તાવાર X એકાઉન્ટ પર આ કાર્યક્રમની કેટલીક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. તેમાંથી એકમાં, આમિર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઊભો રહીને શ્રદ્ધાંજલિ આપતો જોવા મળ્યો હતો. કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, “આમિર ખાન #StatueofUnity ખાતે - બૉલિવૂડના દિગ્ગજ કલાકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં ભારતની એકતાનું સન્માન કરે છે, જે સ્વતંત્રતા પછીની એકતા તરફની ભારતની સફર દર્શાવે છે, રાષ્ટ્રની અતૂટ ભાવનાની ઉજવણી કરે છે. ખાસ પ્રસંગે ગર્વથી શ્રદ્ધાંજલિ ??.”
આમિર તેના મોટા દીકરા જુનૈદ ખાનની આગામી ફિલ્મ `લવયાપા`ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ રોમેન્ટિક કૉમેડી ફિલ્મમાં ખુશી કપૂર પણ લીડમાં છે અને આવતા મહિને વેલેન્ટાઇન ડે નિમિત્તે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. અભિનેતાએ તાજેતરમાં જ બિગ બૉસ 18 ના સેટ પર ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. આમિર છેલ્લે `લાલ સિંહ ચઢ્ઢા`માં જોવા મળ્યો હતો, જે હૉલિવુડ ફિલ્મ `ફોરેસ્ટ ગમ્પ`ની રિમેક હતી. આ ફિલ્મ બાદ હવે તે તેની આગામી ફિલ્મ `સિતારે જમીન પર`માં જોવા મળવાનો છે, જે 2025ના મધ્યમાં રિલીઝ થાય તેવી શક્યતા છે. આ ફિલ્મ તેની 2007માં આવેલી બ્લૉકબસ્ટર `તારે જમીન પર`ની સિક્વલ છે.
આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ફિલ્મ ‘લવયાપા’ રિલીઝ માટે તૈયાર છે ત્યારે એ ફિલ્મની પ્રમોશન-ઇવેન્ટમાં આમિરે દીકરાની સફળતા માટે સ્મોકિંગ છોડી દેવાની જાહેરાત કરીને લોકોનાં દિલ જીતી લીધાં છે. આ ફિલ્મના ટ્રેલર-લૉન્ચમાં આમિરે જણાવ્યું હતું કે ‘મેં હવે સ્મોકિંગ છોડી દીધું છે. સાચી વાત તો એ છે કે સ્મોકિંગ મને ખૂબ ગમતું હતું અને એ મામલે ખોટું બોલવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. હું આટલાં વર્ષોથી સિગારેટ પીતો હતો અને એ પછી પાઇપ પીતો હતો. તમાકુને હું એન્જૉય કરું છું, પણ મને ખબર છે કે એ સ્વાસ્થ્ય માટે જરાય સારું નથી. કોઈએ સ્મોકિંગ ન કરવું જોઈએ.’