23 November, 2024 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રહીમા રહમાન
સંગીતકાર એ. આર. રહમાન અને તેની પત્ની સાયરાએ મંગળવારે છૂટા પડવાનો નિર્ણય જાહેર કર્યા બાદ તેમની રિલેશનશિપ વિશે ઘણી અફવાઓ ફેલાઈ રહી છે એ મુદ્દે તેમની દીકરી રહીમા રહમાને પ્રતિક્રિયા આપી છે અને અફવાઓ ફેલાવનારાઓને મૂરખ ગણાવ્યા છે.
રહીમાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર જઈને નફરત અને દુર્ભાવના ફેલાવતા લોકોને સંબોધીને લખ્યું છે : ‘હંમેશાં યાદ રાખો, અફવાઓ દ્વેષીઓ દ્વારા ચલાવવામાં આવે છે, મૂરખાઓ દ્વારા ફેલાવવામાં આવે છે અને ઇડિયટ લોકો દ્વારા સ્વીકારવામાં આવે છે.’
બીજી એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે એ. આર. રહમાનને ફિલ્મ ‘આદુજીવિથમ’ના બૅકગ્રાઉન્ડ મ્યુઝિક માટે હૉલીવુડ મ્યુઝિક ઇન મીડિયા અવૉર્ડ મળ્યાનો રિપોર્ટ શૅર કર્યો હતો અને તેના માથે ક્રાઉન ઇમોટિકૉન મૂકીને લખ્યું કે તમે હંમેશાં અમારા કિંગ રહેશો અને અમારા લીડર રહેશો. ત્યાર બાદ તેણે હૅશટૅગ ‘હેટર્સ ગોન્ના હેટ’ ઍન્ડ ‘પોટાટોઝ ગોન્ના પોટેટ’ એમ લખ્યું છે.
દીકરા અમીને પિતાની સરખામણી બેબી સાથે કરી, ખોટી અફવાઓ ન ફેલાવવા વિનંતી કરી
એ. આર. રહમાનના દીકરા અમીને પિતાની સરખામણી એક બેબી સાથે કરી હતી અને તેનાં માતા-પિતાના છૂટાછેડા માટે ફેલાવવામાં આવતી અફવાઓને પાયાવિહોણી ગણાવી હતી.
એવી અફવા છે કે રહમાનને તેની સાથે કામ કરતી ગિટારિસ્ટ મોહિની ડે સાથે સંબંધો છે અને તેણે પણ તેના પતિ સાથે છૂટાછેડાની જાહેરાત રહમાને કરેલી જાહેરાતના થોડા કલાકો બાદ કરી હતી.
અમીને ઇન્સ્ટાગ્રામ પર એક બાળકની તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે શું તફાવત છે, ઉંમર સિવાય? તેણે લખ્યું હતું કે ‘મારા પિતા દંતકથા સમાન છે, માત્ર અતુલ્ય યોગદાન માટે જ નહીં; તેમણે વર્ષોથી મેળવેલાં મૂલ્યો, આદર અને પ્રેમ માટે. ખોટી અને પાયાવિહોણી અફવા ફેલાવવામાં આવતી જોઈને નિરાશા થાય છે.’
અમીને લોકોને તેનાં માતા-પિતાનાં લગ્ન વિશે ખોટી માહિતી નહીં ફેલાવવા પણ વિનંતી કરીને ઉમેર્યું હતું કે ‘આપણે બધા જ્યારે કોઈના જીવન અને વારસા વિશે વાત કરીએ ત્યારે સત્ય અને આદરના મહત્ત્વને યાદ કરીએ. કૃપા કરીને આવી ખોટી માહિતીમાં સામેલ થવા કે એ ફેલાવવાથી દૂર રહો. તેમની ગરિમાનું સન્માન અને જાળવણી કરીએ. તેમણે આપણા બધા પર અવિશ્વસનીય અસર ઊભી કરી છે.’