21 June, 2019 08:28 AM IST | ઇથિયોપિયા
પ્રિયંકા ચોપડા
વર્લ્ડ રેફયુજી ડે પર પ્રિયંકા ચોપડા જોનસે બાળકોને વિશ્વનું ભવિષ્ય જણાવતાં એક મેસેજ આપ્યો છે. વર્લ્ડ રેફયુજી ડે વીસ જૂને મનાવવામાં આવે છે. પ્રિયંકા યુનિસેફની ગુડવિલ ઍમ્બૅસૅડર છે. થોડા સમય અગાઉ તેણે ઇથિયોપિયામાં જઈને ત્યાંની સ્કૂલનાં બાળકો સાથે સમય વિતાવ્યો હતો. પ્રિયંકા અનેક સામાજિક કાર્યો સાથે સંકળાયેલી છે.
વર્લ્ડ રેફયુજી ડે પર તેણે એક વિડિયો શૅર કર્યો છે. વિડિયોમાં તે આ બાળકો સાથે રમતી અને મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘આ એક સીધું અને સરળ સત્ય છે કે વિશ્વનું ભવિષ્ય બાળકોના હાથોમાં છે. જોકે કડવી વાસ્તવિકતા એ છે કે એક આખી જનરેશન મૂળભૂત સુવિધાના અભાવમાં અંધકારમય જીવન વિતાવી રહી છે.
આ પણ વાંચો : અજય દેવગનને આજે પણ સતાવે છે આ વાતનો ડર, જાણો એમની પાસેથી
આ બાળકોને વિવિધ વિસ્તારોમાં થયેલા સંઘર્ષ અને ઇમર્જન્સીને કારણે વિસ્થાપિત થવું પડ્યું હતું. હિંસા, અત્યાચાર અને કુદરતી આફતને કારણે તેમના પરિવારને પોતાનાં ઘર છોડવાં પડે છે. આવી સ્થિતિમાં બાળકોને ભાગે વધુ વેઠવાનો વારો આવે છે. આ આંકડાઓ ચોંકાવનારા છે. આપણી ક્ષમતા પ્રમાણે આપણે તેમની પડખે ઊભા રહેવું જોઈએ. તેઓ આપણું ભવિષ્ય છે. તેમને મદદ કરવી જોઈએ. આ રેફ્યુજી બાળકોની સલામતી માટે મારી સાથે યુનિસેફમાં જોડાઈ જાઓ.’