07 January, 2019 06:32 PM IST |
મોદીની બાયોપિકનું ફર્સ્ટ લુક પોસ્ટર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે. વિવેક ઓબેરોય નરેન્દ્ર દામોદરદાસ મોદીના લુકમાં જોવા મળી રહ્યો છે. તેણે પીએમ મોદીના લુકને ઘણી હદે મેચ કર્યો છે. તેની પાછળ રાષ્ટ્રધ્વજ લહેરાતો જોવા મળી રહ્યો છે અને ફિલ્મને પંચલાઈન આપવામાં આવી છે- 'દેશભક્તિ હી મેરી શક્તિ.' ફિલ્મનું પોસ્ટર 23 ભાષાઓમાં લોન્ચ કરવામાં આવ્યું છે. 2019ની ચૂંટણી પહેલા આ ફિલ્મ મોદી માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ફિલ્મનું આ ફર્સ્ટ લુક પોસ્ટર લોન્ચ કર્યું છે જેને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ પોતાના વેરિફાઈડ ટ્વિટર હેંડલ પર શેર કર્યું છે. વિવેક ઓબેરોયે ફિલ્મનું પોસ્ટર ટ્વિટ કરીને કેપ્શનમાં લખ્યું- 'અમે આ અદ્ભુત સફર માટે તમારી પ્રાર્થનાઓ અને આશીર્વાદની કામના કરીએ છીએ.' ઓમંગકુમારના નિર્દેશન અને સુરેશ ઓબેરોય તેમજ સંદીપસિંહના પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મ ટુંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મેકર્સ આ પ્રોજેક્ટ પર છેલ્લા 2 વર્ષોથી કામ કરી રહ્યા હતા. ઘણા સમય સુધી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે પરેશ રાવલ આ ફિલ્મમાં વડાપ્રધાન મોદીની ભૂમિકા ભજવતા જોવા મળશે. જોકે પછી આ નિર્ણય બદલી નાખવામાં આવ્યો અને મોદીના પાત્ર માટે વિવેક ઓબેરોયના નામ પર મહોર લગાવવામાં આવી. ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થયા પછી હવે ફેન્સને ફિલ્મના ટીઝર અને ટ્રેઇલર વીડિયોની આતુરતાથી રાહ રહેશે.
આ પણ વાંચો: ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરના ટ્રેલર પર રોક લગાવવાનો દિલ્હી HCનો ઈનકાર