20 September, 2019 11:57 AM IST | મુંબઈ
આલિયા ભટ્ટ
પ્રિયંકા ચોપડા જોનસને બદલે સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ’માં આલિયા ભટ્ટ કામ કરવાની છે. આ ફિલ્મ આ અગાઉ પ્રિયંકા ચોપડા જોનસને ઑફર કરવામાં આવી હતી. જોકે તે અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હોવાથી તેણે આ ફિલ્મ માટે હામી નહોતી ભરી. આ જ કારણ છે કે આ ફિલ્મ હવે આલિયાને આપવામાં આવી છે. ‘ઇન્શાલ્લાહ’ પર કામ બંધ કરવામાં આવતાં આલિયા અવારનવાર સંજય લીલા ભણસાલીની ઑફિસની બહાર જોવા મળે છે. એને જોતાં એવી ચર્ચા હતી કે સલમાન ખાન દ્વારા ફિલ્મને નકાર આપ્યા બાદ કદાચ ‘ઇન્શાલ્લાહ’ માટે નવા હીરોની શોધ કરીને ફિલ્મને ફરીથી શરૂ કરવામાં આવશે. જોકે એવું જાણવા મળ્યું છે કે આલિયા અને સંજય લીલા ભણસાલી ‘ઇન્શાલ્લાહ’ માટે નહીં, પરંતુ નવા પ્રોજેક્ટ પર ચર્ચા કરી રહ્યાં છે. સંજય લીલા ભણસાલી આલિયા સાથે કામ કરવા આતુર છે. તેઓ પોતાના શબ્દોથી પાછા નથી પડતા. એવામાં આલિયા સાથે તેઓ દેહવેપારના વિસ્તાર એવા કમાઠીપુરાની માલકણ ગંગુબાઈના જીવન પર ફિલ્મ બનાવશે. આ ફિલ્મની સ્ટોરી એસ. હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ના એક ચૅપ્ટરમાંથી લેવામાં આવી છે.
હું જલદી સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાની છું : આલિયા
આલિયા ભટ્ટે જણાવ્યું છે કે તે ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાની છે. તાજેતરમાં જ સલમાન ખાન સાથેની ‘ઇન્શાલ્લાહ’ પર કામ અટકાવવામાં આવ્યું છે. આલિયા પહેલી વાર સલમાન અને સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાની હતી. જોકે વાત આગળ ન વધતાં ફિલ્મને થોડા સમય માટે બંધ કરવામાં આવી છે. ફિલ્મ વિશે પૂછવામાં આવતાં આલિયાએ કહ્યું હતું કે ‘હું સંજય લીલા ભણસાલી અને સલમાન સાથે કામ કરવા માટે ખૂબ ઉત્સાહિત હતી.
આ પણ વાંચો : આલિયાથી દીપીકા સુધી એક્ટ્રેસિસના ડ્રેસે તેમને કર્યા પરેશાન !!! જુઓ વીડિયો
જોકે મારું માનવું છે કે ક્યારેક કોઈ બાબત આપણા હાથમાં નથી હોતી. એવું કહેવાય છે કે જો તમે ચાહતા હો કે ભગવાન તમારા પર હસે તો તેમને તમારા પ્લાન જણાવો, કારણ કે પ્લાન કદી પણ સફળ નથી થતા. જોકે તમને લેખિતમાં કહી શકું છું કે હું ટૂંક સમયમાં જ સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાની છું.’