દીકરીઓને કોઈ પણ પ્રોફેશન પસંદ કરવાનો અધિકાર આપવા પર ભાર મૂક્યો અક્ષયે

04 August, 2019 11:34 AM IST  |  મુંબઈ

દીકરીઓને કોઈ પણ પ્રોફેશન પસંદ કરવાનો અધિકાર આપવા પર ભાર મૂક્યો અક્ષયે

અક્ષયકુમાર, વિદ્યા બાલન અને તાપસી પન્નુ

આપણાં દેશનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનું ઉદાહરણ આપતાં અક્ષયકુમારે ભાર મુક્યો હતો કે હવે સમય આવી ગયો છે જ્યારે જેન્ડરની રૂઢિવાદી પરંપરાને દૂર કરવામાં આવે. નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આપતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘એક એવી મહિલા નિર્મલા સીતારમણ છે જે પોતાનાં ઘરનું ફાયનાન્સ, કોર્પોરેટનું ફાયનાન્સ અને આપણાં દેશનું નાણાં વિભાગ સંભાળે છે. પહેલાં તેઓ રક્ષા મંત્રાલયમાં હતાં. પરિવર્તન આવી રહ્યું છે.’

અક્ષયકુમારની ‘મિશન મંગલ’ ૧૫ ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મહિલા વૈજ્ઞાનિકોનાં સમર્પણ અને મહેનતની સત્ય ઘટનાને દેખાડવામાં આવી છે. ‘મિશન મંગલ’માં વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કિર્તી કુલ્હારી અને નિત્યા મેનન જોવા મળશે. આ ફિલ્મને મહિલા પ્રધાન ફિલ્મ ગણાવવા પર અણગમો વ્યક્ત કરતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મને એ વાતનો ખૂબ ગુસ્સો આવે છે જ્યારે કોઈ આ ફિલ્મને મહિલા પ્રધાન ફિલ્મ કહે છે. મહિલા પ્રધાન એટલે શું? જો આપણે સૌ એક સમાન છીએ, તો પુરુષ પ્રધાન કે મહિલા પ્રધાન જેવુ કંઈ ન હોવુ જોઈએ. એને માત્ર એક ફિલ્મ તરીકે જ જોવી જોઈએ. એવુ મારું માનવુ છે.’

ફિલ્મને લઈને પોતાનો ઉદ્દેશ જણાવતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મેં બાળકો માટે આ ફિલ્મ બનાવી છે. એથી તેઓ વૈજ્ઞાનિક બનવા માટે પ્રેરિત થાય. વૈજ્ઞાનિકનાં પ્રોફેશન તરફ જલદી કોઈ નથી વળતુ. જોકે જ્યારથી ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝએશન)એ ચન્દ્રયાન લૉન્ચ કર્યું છે ત્યારથી લોકોને વૈજ્ઞાનિકની જરૂર અને અગત્યતાની જાણ થઈ છે. આશા રાખુ છું કે આ ફિલ્મથી લોકોને જાણ થશે કે આ કેટલુ ગ્રેટ પ્રોફેશન છે.’

આ પણ વાંચો : ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ : હૉબ્સ ઍન્ડ શૉએ ટક્કર મારી ખાનદાની શફાખાનાને

દીકરીઓને દીકરાની જેમ જ સમાન તક આપવાની જરૂર જણાવતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મારા બાળપણમાં મેં એવા પેરન્ટ્સ જોયા હતાં જે દીકરીઓનું મનોબળ તોડી નાખતા હતા જ્યારે તેમને વૈજ્ઞાનિક અથવા તો એન્જિનિયર બનવાની ઇચ્છા થતી હોય છે. તેઓ એવું કારણ ધરતાં હતાં કે આ તો પૂરુષોનાં પ્રોફેશન છે. તેઓ દીકરીઓને એમ પણ કહેતાં હતાં કે તેઓ ડૉક્ટર અથવા તો નર્સ બને અથવા તો મહિલા પ્રધાન પ્રોફેશનની પસંદગી કરે. આટલું જ નહીં આપણાં ઇતિહાસનાં પુસ્તકમાં પણ મહિલાઓનો ઉલ્લેખ કરવામાં નથી આવતો. બુકમાં માત્ર પૂરુષોનો જ ઉલ્લેખ કરવામાં આવે છે. મારા મતે હવે પરિવર્તનનો સમય આવી ગયો છે અને એની શરૂઆત પણ થઈ ચુકી છે.’

akshay kumar vidya balan taapsee pannu bollywood news